મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલનથી જાહેર જીવનમાં આવનાર હાર્દિક પટેલ હવે કોંગ્રેસના નેતા થઈ ગયા છે. હાર્દિક પટેલ સામે હાલ ઘણા કેસ છે, હાલમાં જ જ્યાં એક વખત પોલીસે તેની ધરપકડ કરી હતી ત્યાં જ જામીન મેળવ્યા તો બીજા કેસમાં તુરંત પોલીસ તેને પકડી ગઈ હતી. મહેસાણામાં પણ હાર્દિક પટેલને એન્ટ્રી કરવા પર પ્રતિબંધ છે. આવા ઘણા કારણોને પગલે હવે હાર્દિકની પત્ની લડાઈ લડવા જાહેર મંચ પર આવવા લાગી છે. કિંજલ પટેલે હાર્દિક પટેલ સામે કેસ થવા પાછળ ભાજપ સરકારને કારણભૂત ગણાવી હતી. સાથે જ હાર્દિક સામેના કેસને પાછા ખેંચવાની માગ સાથે કલેક્ટર અને મામલતદારને વિવિધ જિલ્લાઓમાં આવેદન આપ્યા હતા.

કિંજલ પટેલનું કહેવું છે કે, સામાજિક, યુવાન અને ખેડૂત આંદોલન ના મજબૂત આંદોલનકારી એવા હાર્દિક પટેલ પર કિન્નાખોરી રાખીને ભાજપ સરકારે ત્રીસથી વધુ ખોટા કેસો કર્યા છે. આ તમામ ખોટા કેસો પરત ખેંચવાની માંગણી સાથે ગુજરાતના ૭૦થી વધુ તાલુકા અને ૧૫થી વધુ જિલ્લા મથકો પર મામલતદાર અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. આજે મેં અને પાટીદાર યુવાનોએ અમદાવાદના કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું. એક વાત યાદ રાખજો કે બૉમ્બ ફોડવા, કોઈની હત્યા કરવી એ જ આતંકવાદ નથી પરંતુ કોઈને ખોટી રીતે હેરાન કરવા, જેલમાં મોકલવા, ખોટા પોલીસ કેસો કરીને ધમકાવવા આ પણ એક આતંકવાદ જ છે. ગુજરાતના મજબૂત અને ઈમાનદાર યુવાનો માટે ભાજપ આતંકવાદ છે. હું વકીલાતનો અભ્યાસ કરું છું અને મને એટલી ખબર પડે છે કે ભારતનો કાયદો લોકોના અધિકાર અને રક્ષા માટે છે, કોઈ પણ વ્યક્તિને હેરાન કરવા માટે નથી પરંતુ દુઃખની વાત એ છે કે આજે સ્વતંત્ર ન્યાયપાલિકાનો ઉપયોગ સામાન્ય અને સાચા માણસોને હેરાન કરવા માટે થઇ રહ્યો છે. હાર્દિકના આંદોલનથી ફક્ત એક સમાજને નહીં પરંતુ તમામ જરૂરિયાતમંદ સમાજને ફાયદો થયો છે અને રાજકીય ગુલામીની જંજીરોમાંથી મુક્ત કર્યો છે.