પ્રશાંત દયાળ, અમદાવાદ: વડોદરાના ગરીબ કિડનીના દર્દીઓ સાથે જાણે કુદરતે મશ્કરી કરવાનું નક્કી કર્યુ હોય તેવુ લાગે છે. વડોદરાના ગરીબ દર્દીઓ જેમની બંને કિડનીઓ ફેલ થઇ ગઇ છે તેમને ડાયાલીસીસની સારવાર લેવી પડે. ખાનગી હોસ્પિટલમાં  ડાયાલીસીસ મોંઘા હોવાના કારણે ગરીબ દર્દીઓ સરકારે નક્કી કરેલી હોસ્પિટલમાં ડાયાલીસીસ કરાવે છે. વડોદરાના હરણી વારસીયા રોડ ઉપર ટ્રસ્ટ સંચાલિત પ્રેમાદાસ જલારામ હોસ્પિટલ આવેલી છે. આ વિસ્તાર મધ્યમવર્ગીય હોવાને કારણે સારવાર માટે ગરીબ અને મધ્યમ વર્ગના દપર્દીઓ અહીંયા આવે છે. આ હોસ્પિટલમાં ડાયાલીસીસની સેન્ટર પણ છે.

ગત ડિસેમ્બર મહિનામાં અહીંયા ડાયાલીસીસ કરાવનારા દર્દીઓના લોહીનો રિપોર્ટ કરાવવામાં આવતા પાંચ દર્દીઓનો એચઆઇવી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ દર્દીઓ લાંબા સમયથી ડાયાલીસીસ કરાવતા આવી રહ્યા છે. પરંતુ અગાઉના રિપોર્ટમાં તેમને એચઆઇની પોઝિટિવ ન હતું. આમ ડાયાલીસીસ દરમિયાન થયેલી બેદરકારીને કારણે પાંચ દર્દીઓ એચઆઇવીનો ભોગ બનતા મા કાર્ડ યોજના હેઠળ સારવાર લઇ રહેલા દર્દીઓએ સરકારના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી હતી.

આ ફરિયાદ મળતા તુરંત જ ગાંધીનગરથી અધિકારીઓ દોડી આવ્યા અને તેમણે  ડાયાલીસીસ મશિનની સફાઇનો આદેશ આપી નવા ડાયાલીસીસ મશિન પણ મુક્યા હતા. જો કે ત્યાર બાદ ડિસેમ્બરના અંતમાં વધુ ૧૪ દર્દીઓ એચઆઇવી પોઝિટિવનો ભોગ બન્યા હતાં. આ અંગે દર્દીઓેએ સરકારમાં રજૂઆત કરતા સરકારે દર્દીઓને જવાબ આપ્યો હતો કે હોસ્પિટલ બદલી નાખો. આ મામલે પ્રેમદાસ જલારામ હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવતા જવાબ મળ્યો હતો કે જવાબદાર ડોક્ટરો ગાંધીનગર ગયા છે અમે કંઇ કરી શકીએ નહીં. જ્યારે આરોગ્ય અધિકારીએ આ મામલે હમણા કશું કહી શકુ નહીં તેમ જણાવ્યુ હતું.