મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ ખોડલધામ સહિત બીજી ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલા યુવાન પંકજ સિદ્ધપરાના પત્ની હેતલ સિદ્ધપરાનું કેન્સરના કારણે નિધન થઈ ગયું છે. જોકે આ ઘટના ગત 25મી ઓગસ્ટે બની હતી પરંતુ તેમના દુઃખદ અવસાનને પગલે પરિવારે તેમના બેસણાને આ કોરોના કાળમાં ન રાખવાનો નિર્ણય કર્યો હતો. જોકે આવા નિર્ણય આપણા ગુજરાતના ઘણા પરિવારોએ કર્યા હતા, પરંતુ તેમણે આ સાથે કોરોનાના દર્દીઓ માટે એક સેવાયજ્ઞ પણ કરવાનું નક્કી કર્યું. જે અંતર્ગત તેમણે બેસણાને બદલે રક્તદાન શિબિરનું આયોજન કર્યું.

મરણ બાદ રિવાજ મુજબ બેસણાની જગ્યાએ તેમણે કોરોનાની મહામારી માં શહેર માં લોહીની અછતને લઈને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં 111 રક્તની બોટલ એકત્ર કરવામાં આવી તથા મરણ પછીની બારમાંની વિધિમાં વૃક્ષા રોપણનો કાર્યક્ર્મ યોજી સમાજમાં એક નવી રાહ ચીંધવાનો સંકલ્પ કર્યો છે. 

ઉપરાંત તેમની પત્નીનું કેન્સરની બીમારીને કારણે અવસાન થયેલું હોવાથી તેમની સ્મૃતિ રૂપે સુરતમાં એક ફાઉન્ડેશનની સ્થાપના કરી કેન્સર રોગ પ્રત્યે લોકમાં જાગૃતતા લાવવા તથા મહિલા ઓમાં વધારે થતાં કેન્સર માટેના જવાબદાર તત્વોનું વહેલાસર નિદાન અને સફળતા પૂર્વક સારવાર થઇ શકે એ માટે લોક જાગૃતિ તથા લેબોરેટરી તપાસ થઈ શકે એ હેતુથી એક સેંટર સુરત ખાતે ઊભું કરવામાં આવનાર છે. જ્યાં આવા લોકોને વહેલાસર નિદાન કરવામાં આવશે અને એ માટે જરૂરી સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવશે. તેવી જાહેરાત કરી છે.

રકતદાન શિબિરમાં સમાજ અગ્રણી કાનજી ભાલાળા, મહેશ સવાણી, નાનુ સાવલિયા, અલ્પેશ કથીરીયા , ધાર્મિક માલવિયા, ડો. કિશોર રૂપારેલિયા, ડો. ગધેસરિયા સાહેબ, ડો. સ્નેહલ ડુંગરાણી, કોર્પોરેટર દિનેશ સાવલિયા, દેવરાજ ટીંબી સહિત સમાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.