મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ સાબરકાંઠા જીલ્લામાં વર્ષ ૨૦૧૪-૧૫ માં  નાનીસેબલીયા , ગુંદેલ અને પરોયા હાઇસ્કૂલમાં  ૨૭ જેટલા શિક્ષકોની બોગસ ભરતી કરાઈ હતી સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલી ત્રણ ગ્રાન્ટેડ સ્કૂલના સંચાલકોએ અંદાજે ૨૭ શિક્ષકોની બોગસ ભરતી કરીને સરકારના નાણાનો દુર ઉપયોગ કરી સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરાયા બાદ શિક્ષણ વિભાગે તબક્કાવાર કાર્યવાહી કરીને આ ત્રણ સ્કૂલોની માન્યતા રદ કરવાના કરાયેલા આદેશ બાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ત્રણેય શાળાઓની માન્યતા રદ કરીને તેના અગત્યના દસ્તાવેજો નજીકમાં આવેલી શાળાઓને સુપ્રત કર્યા હતા  સરકારની આ કાર્યવાહીથી આ ત્રણ શાળઓમાં ભણતા અંદાજે ૭૪૨ વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં ભણવા માટે જવા માટે મજબુર બન્યા હતા ગુંદેલ હાઈસ્કૂલ માંથી ઉંચી ધનાલ  શાળામાં તબદીલ કરાયેલ ૧૫૦ વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાઈવે રોકી વિરોધ નોંધાવતા પોલીસતંત્ર અને શિક્ષણ વિભાગ દોડતું થયું હતું.

ખેડબ્રહ્માના ચાડા પાસે શાળાના વિદ્યાર્થીઓએ શનિવારે અચાનક રસ્તા રોકો લડત કરતા ખળભળાટ મચી ગયો છે. પોતાની શાળા વહીવટી કારણોસર બંધ થતા અન્ય શાળામાં તબદિલ થયેલા વિદ્યાર્થીઓ લાલઘૂમ બની છેવટે હાઇવે માર્ગ રોક્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા હાઇવે પરિવહન અટકાતા તાત્કાલિક પોલીસની ટીમ દોડી આવી હતી. સમજાવટને પગલે હાઇવે પરથી વિદ્યાર્થીઓને દૂર કરી પરિવહન યથાવત કર્યુ હતુ.ગુંદેલ શાળામાંથી તબદીલ થયેલા વિદ્યાર્થીઓએ આક્રોશ પૂર્વક વિરોધ નોંધાવી ગુંદેલ હાઈસ્કૂલ ફરીથી શરૂ કરાવવા જંગે ચડ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ,આજુબાજુના વિદ્યાર્થીઓને ગુંદેલ શાળા નજીક પડતી હતી. શાળા બંધ થતા ધો-૧૦ થી ૧૨ના વિદ્યાર્થીઓને થોડા દૂરના અંતરે જવું પડે છે. ઊંચી ધનાલ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોઇ બેસવાની અને અપુરતા શિક્ષણની ફરીયાદ સાથે નારાજગી બની છે. શનિવારે સવારે અંબાજીથી ખેડબ્રહ્મા જતા હાઇવે માર્ગ પર ચાડા નજીક વિદ્યાર્થીઓ એકઠા થઇ રસ્તો રોક્યો હતો.