મેરાન્યૂઝ નેવર્ક.ખેડખેડબ્રહ્માઃ ખેડખેડબ્રહ્મા મામલતદાર કચેરીમાં ચોરી થઇ હોવાની બાબતે ખળભળાટ મચી ગયો છે. તાલુકા માટે અત્યંત મહત્વની ડીઝાસ્ટર શાખાના કોમ્પ્યુટરનું CPU ચોરાઇ જતાં દોડધામ મચી ગઇ છે. કોમ્પ્યુટર સેટમાં સૌથી વધુ મહત્વનું CPU ડીઝાસ્ટર અને મહેસુલી બાબતનું રેકર્ડ ધરાવતુ હતુ. CPU ચોરાઇ જતાં ડેટાની કોપી અને ચોરી કરી આરોપીઓ તાલુકાની સુરક્ષા સામે ખતરો પેદા કરી શકે તેવી ભિતી ઉભી થઇ છે. જેથી મામલતદારે જવાબદાર કર્મચારીઓને લઇ તપાસ શરૂ કરી છે.આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ચોપડે મામલતદાર કચેરીમાંથી CPU ગાયબ થવા અંગે ફરિયાદ દાખલ થઈ ન હોવાની માહિતી પ્રાપ્ત થઈ  હતી.

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકા મામલતદાર કચેરીની માહિતી લીક થઇ હોવાનુ ચોરીની ઘટનાથી સામે આવ્યુ છે. મામલતદાર કચેરીની ડીઝાસ્ટર શાખાનું CPU ચોરાઇ જતાં વહીવટી આલમમાં ચકચાર મચી ગઇ છે. શુક્રવારે રાત્રે કોમ્પ્યુટર સેટમાંથી CPU અને કી-બોર્ડ ચોરાઇ ગયાનું શનિવારે સામે આવતા કર્મચારીઓ ચોંકી ઉઠ્યા છે. ચોરાઇ ગયેલ CPUમાં તાલુકા મામલતદાર કચેરીની અત્યંત મહત્વની માહિતી ધરાવતો ડેટા હોવાથી મામલો સંવેદનશીલ બની ગયો છે.

સમગ્ર બાબતે ખેડબ્રહ્મા મામલતદાર જી.ડી.ગમારે જણાવ્યુ હતુ કે, શુક્રવારે રાત્રે ડીઝાસ્ટર કચેરીમાં જે કર્મચારીઓની ફરજ હતી તેઓની પુછપરછ કરી તપાસ હાથ ધરવામાં આવશે. જવાબદાર કર્મચારીઓની ફરજ ફિક્સ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, કેટલાક દિવસો અગાઉ કચેરીમાંથી બાઇક પણ ચોરાઇ ગયુ હોઇ અનેક સવાલો ઉભા થયા છે. CPUનો ડેટા મેળવી આરોપીઓ કંઇ ખોટુ કરે તે પહેલા ઝડપી લેવા જરૂરી બન્યુ છે.