મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા કે પછી નશામાં ટલ્લી થઇ લથડીયા ખાતા હોવાના બનાવો સતત બની રહ્યા છે સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્માતાલુકાના કલોલ ગામે આવેલા આરોગ્ય સબ સેન્ટરના એક કર્મચારી દારૃના અડ્ડા ઉપર જઈ દારૃની મહેફિલ માણતો વીડિયો વાયરલ થતાં જિલ્લા આરોગ્ય વિભાગમાં ભારે હડકંપ મચ્યો હતો. આરોગ્ય અધિકારીએ તપાસના આદેશ આપી શખ્ત કાર્યવાહી હાથધરી હતી.

થોડા દિવસ અગાઉ તલોદ આઈડીસી વિભાગમાં ઓફિસમાં જ દારૂની મહેફિલ માણતો કર્મચારીનો વીડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હોવની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે ખેડબ્રહ્મા તાલુકાના કલોલ નાકા ગામે આવેલ આરોગ્ય સબ સેન્ટરનો એક આરોગ્ય કર્મચારી કોઈપણ જાતના ડર વગર સરકારી ગાડીનો દુરૃપયોગ કરી રાજસ્થાનના અંબાસર ગામમાં જઈ દારૃની મહેફિલ માણતા કોઈ જાગૃત નાગરિકે આ કર્મચારીનો મોબાઇલ દ્વારા વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો. કર્મચારી સ્થળ ઉપર ખાટલા ઉપર બેઠા બેઠા દારુની મહેફિલ માણી રહ્યા હોવાનું વીડિયોમાં જણાઈ રહ્યું છે. આ વીડિયો વાયરલ થતા આરોગ્ય ખાતામાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયો અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેશ પટેલને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, મારી જાણમાં આવ્યું છે અને તેની તપાસ મેં ખેડબ્રહ્મા તાલુકા હેલ્થ ઓફિસર આર.ડી. ગોસ્વામીને કરવા જણાવ્યું છે.