મેરાન્યૂઝ નેટવર્ક.ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મામા આંગડિયા પેઢીના કર્મચારી ઉપર ફાયરીંગની ઘટના બનતા ફાયરિંગમાં એક કર્મચારીનું મોત થયું છે. આ ઘટના જનતા બેન્ક પાસે બની હતી. ધોળા દિવસે ફાયરિંગની ઘટના બનતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. સ્વીફ્ટ કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. લૂંટના ઈરાદે ફાયરિંગ કર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડબ્રહ્મા શહેરમાં મંગળવારે ભરબપોરે લૂંટના ઈરાદે આંગડીયા કર્મચારી ઉપર બંદૂકની ગોળીથી ફાયરીંગ કર્યાની ચકચારી ઘટના બની હતી લૂંટારૂઓ પૈસા ભરેલી બેગ ઝુંટવી લેવા ફાયરીંગ કરતા કર્મચારીનું મોત થયું છે. ઘટનાને પગલે પંથકમાં દોડધામ મચી ગયા દરમિયાન મૃતકની લાશને જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે બંદૂકની ગોળી તેમજ ચક્કુના જીવલેણ ઘા ઝીંકવા છતાં આંગડીયા પેઢીમાં ફરજ બજાવતા કર્મચારીએ હિંમતભેર લૂંટારુંઓનો સામનો કરી થેલામાં રહેલા લાખો રૂપિયાની લૂંટ થતી અટકાવવામાં મહદંશે સફળ રહ્યો પણ તેને જીવ ખોવાનો વારો આવ્યો હતો ખેડબ્રહ્મા પોલીસે હત્યાને પગલે લૂંટારૂઓને ઝડપવા કવાયત હાથ ધરી છે.

ખેડબ્રહ્મામાં સરદારચોકથી પેટ્રોલપંપ જતા માર્ગ પર આવેલી એન માધવલાલ એન્ડ કંપની નામની આંગડીયા પેઢીના કર્મચારી નાયક કિરણ હરગોવિંદ ઉપર ફાયરીંગ થયું હોવાનું સામે આવ્યું છે. બપોરે અચાનક ફોર વ્હીલર ગાડીમાં આવી લૂંટારૂઓ પૂર્વ આયોજીત લૂંટના ઈરાદે આંગડીયાના કર્મચારી પાસેથી પૈસા ભરેલી બેગ ઝુંટવી લેવા જીવલેણ ચપ્પાના ઘા માર્યા હતા. તેમછતાં હિંમતવાન કર્મચારીએ પોતાની પાસે રહેલ લાખો રૂપિયા ભરેલો થેલો પકડી રાખ્યો હતો. જેથી લૂંટારૂઓએ ગોળી મારી હોવાનું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યું અનુસાર, લૂંટારૂઓ કેટલી રકમ ઝુંટવી ગયા છે કે કેમ તેની વિગતો સ્પષ્ટ થઈ શકી નથી પરંતુ કર્મચારી ઉપર ફાયરીંગથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ગંભીર રીતે ઘાયલ આંગડીયા કર્મચારીનું બંદૂકની ગોળીથી મોત થયું છે. ખેડબ્રહ્મા પોલીસને જાણ થતા મૃતકની લાશ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી લૂંટારૂઓને ઝડપી લેવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.