મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગયા મહિને ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગ્રામ પંચાયતને cc રોડ બનવવા આપવામાં આવેલી ગ્રાન્ટનો વર્ક ઓર્ડર રદ્દ કરી દેવામાં આવ્યો હતો. જેના પગલે આજે સરપંચ સાંસદ સભ્ય દ્વારા થેયલા અન્યાય માટે ન્યાય માંગવા બાઇક લઈને પ્રધાનમંત્રી કાર્યાલય પહોંચ્યા હતા.

ડિજિટલ લવાલ તરીકે યુવા સરપંચની આગેવાનીમાં ગ્રામ પંચાયત દ્વારા લવાલ ગામમાં એક રોડનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જેના માટે ખેડા લોકસભાના સાંસદ સભ્ય દેવુસિંહ ચૌહાણે રૂ.2.50 લાખની ગ્રાન્ટની ફાળવણી કરી હતી. આ ગ્રાન્ટની ફળવણી થતાં ખેડા જિલ્લા આયોજન મંડળ દ્વારા પ્રક્રિયા કરવામાં આવતા વસો તાલુકા વિકાસ અધિકારીએ વર્ક ઓર્ડર આપ્યો હતો. આ વર્ક ઓર્ડરના અનુસંધાને સરપંચ મહિપતસિંહ ચૌહાણે રોડનું કામ ચાલુ કર્યું હતું અને વર્ક ઓર્ડર મુજબ રોડનું બાંધકામ કર્યું હતું.

આ રોડ બની ગયા બાદ તાલુકા વિકાસ અધિકારીએ વર્ક ઓર્ડર રદ્દ કરતો લેટર લખ્યો હતો જેના મુદ્દે વિવાદ થયો હતો અને સરપંચે જિલ્લા આયોજન મંડળને તથા પ્રધાનમંત્રી કાર્યાલયના ન્યાય માંગતો પત્ર લખ્યો હતો.

શનિવારે લવાલથી બાઇક લઈને સરપંચ દિલ્લી પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે ન્યાય માંગવા પહોંચ્યાં હતા અને સાંસદ સભ્ય દ્વારા થયેલા અન્યાય સામે ન્યાય માંગતો પત્ર પ્રધાનમંત્રી કાર્યાલયમાં રજૂ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતના બાવળને વેચવાના મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી ખેડા દ્વારા સરપંચને નોટિસ આપવામાં આવી હતી અને 25 ઓક્ટોબરે સુનવણી પણ રાખવામાં આવી હતી પણ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. સાંસદની ગ્રાન્ટના અન્યાયના મુદ્દે સરપંચ મહિપતસિંહ ચૌહાણ પ્રધાનમંત્રીને પત્ર લખ્યા બાદ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.