મેરાન્યૂઝ નેટવર્ક.ખેડાઃ ખેડા જિલ્લાના માતર ખાતેના ઘણા તળાવોમાં મગર અવારનવાર દેખા દેતા હોય છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં મગર દ્વારા હુમલા થયાના બનાવો ઘણા બનતા હોય છે. કેટલાક પોતાનો જીવ બચાવવામાં સફળ રહે છે તો કેટલાકને જીવ ગુમાવવાનો વારો આવે છે. આવી જ એક ઘટનામાં એક વૃદ્ધને મગર પોતાના જડબામાં પકડી ખેંચી ગયો છે.

ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા ત્રાજ ગામે અંદાજીત 12 ફૂટ જેટલા મહાકાય મગરની ઝપેટે એક વૃદ્ધ વ્યક્તિ આવી ગયા હતા. જોકે મગર તેમને ખેંચી ગયો તે પછી તેઓ મળી રહ્યા નથી. મગર જેમને ખેંચી ગયો તેમની ઉંમર અંદાજીત 60 વર્ષની હતી. જેમનું નામ લક્ષ્મણ ચાવડા હતું. તે તળાવમાં ન્હાવા માટે ગયા હતા. આ જ સમય દરમિયાન મગરે તેમના પર હુમલો કર્યો અને તેમને જડબામાં ફસાવી દીધા. જોકે તેમને કાંઈ સમજવાનો સમય મળે તે પહેલા જ મગર તેમને ખેંચી અલુપ્ત થઈ ગયો હતો.

આ ઘટના બાદ ત્રાજ ગામે વનવિભાગના અધિકારીઓ આવી પહોંચ્યા હતા. લોકોની ભારે ભીડ વચ્ચે તેમણે ઓપરેશન હાથ ધરી તળાવમાંથી મગરને પકડી પાડ્યો હતો. વન વિભાગના આ ઓપરેશનમાં વિદ્યાનગર આણંદની એક સ્વૈચ્છીક સંસ્થાએ મદદ કરી હતી. જેમના સહયોગથી આખરે મગર પકડાયો હતો.

આવા મહાકાય મગરને જોવા લોકોની ભારે ભીડ ઉમટી હતી. જોકે મગર તો પાંજરે પુરાયો પરંતુ વૃદ્ધ મળ્યા નથી.