મેરાન્યૂઝ નેટવર્ક.ખેડા: જિલ્લાના ઢઠાલ ગામમાં જમીન બાબતની તકરારમાં એક યુવકની કરપીણ હત્યા થઈ છે. બે જૂથ વચ્ચે ઘણા સમયથી જમીન વિવાદ ચાલતો હતો. જેમાં હવે હિંસા થતા પોલીસે વધુ કાર્યવાહી શરુ કરી છે.
 
રવિવારની સવારે 10 વાગ્યાના સુમારે ગામની સીમમાં આવેલા પોતાના ખેતરમાં પ્રિતેશ ઉર્ફે રાજુભાઈ મકવાણા તેમના પરીવારના સભ્યો સાથે ડાંગરના પાકની લણણી કરી રહ્યા હતા. તે દરમિયાન બાજુના ખેતરમાં ડાંગરના પાકની મશીનથી સફાઈ કામ કરાવી રહેલા પ્રતાપજી ઠાકોર અને તેમના બે પુત્રો દશરથજી અને જગદીશજીએ જમીન બાબતે તકરાર કરી હતી. પ્રતાપજી ઠાકોરે પાક લેવાનીના પડતા કહ્યું હતું કે આ જમીન અમારી માલિકીની છે તમો કેમ પાક લો છો, બંને તરફથી ઉગ્ર બોલાચાલી થઈ હતી. દરમિયાન પ્રિતેશભાઈ પર ધારિયા વડે હુમલો પણ  કરવામાં આવ્યો હતો. ગળાના ભાગે મોટા પ્રમાણમાં ઈજાઓ થઈ હતી. ગંભીર ઇજાઓને પગલે સ્થળ પર જ તેમનું મોત થયું હતું. હુમલો કર્યા બાદ આરોપી પિતા પુત્રો ફરાર થઈ ગયા હતા.

Advertisement


 

 

 

 

 

આ ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઇ છે. બંને જ્ઞાતિ વચ્ચે હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. બે જ્ઞાતી વચ્ચે જમીનનો વિવાદ ઘણા સમયથી ચાલતો હતો,આ વિવાદમાં પ્રિતેશની હત્યા થતાં પુરા પંથકમાં સન્નાટો છવાઈ ગયો છે. આ બનાવની જાણ ખેડા ટાઉન પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી હતી, પોલીસની પ્રાથમિક તપાસમાં આ યુવકની હત્યા જમીન બાબતની તકરારમાં થઈ હોવાનું જણાવ્યું છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી છે. જ્યારે મૃતદેહને ખેડા સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે, આ લખાય છે ત્યાં સુધી  આરોપીઓની શોધખોળ ચાલુ છે.

(અહેવાલ અને તસવીર સહાભાર:  મહેશ ઠાકર અને આલોક ચૌહાણ, અમદાવાદ)