મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનિલ ધામલીયાએ ખંભીસર ગામના સરપંચ બળદેવભાઈ ધુળાભાઈ પટેલને બહુચર્ચિત ખંભીસર વરઘોડા પ્રકરણમાં તેમની સામે પણ આઈપીસી એક્ટ,એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો અને ચાર્જશીટ પણ દાખલ થતા નૈતિક અધઃપતનના ગુન્હામાં પ્રાથમિક સંડોવણી જણાતા ગુજરાત પંચાયત અધિનિયમ કલમ -૫૯(૧) મુજબ હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કરતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચ્યો હતો.

અરવલ્લી જિલ્લા સહિત રાજ્યમાં ખંભીસરનું વરઘોડા પ્રકરણ ખુબ ચર્ચામાં રહ્યું હતું. તે સમયે મોડાસા તાલુકાના ખંભીસર ગામે દલિત યુવકનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. તે સમયે ગામના જ એક કોમના લોકોએ ગામના જે રસ્તાઓ ઉપરથી વરઘોડો નિકળવાનો હતો તે માર્ગો પર યજ્ઞકુંડ બનાવી અને મહિલાઓ દ્વારા રસ્તાઓ ઉપર ભજન કિર્તનના કાર્યક્રમો કરી વરઘોડો રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને આ પ્રકરણમાં પથ્થરમારા સહિતની ઘટનાઓ પણ બની હતી. જેમાં મોડાસા રૂરલ પોલીસ મથકે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ થતાં તેઓને જેલ હવાલે પણ કરવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં ખંભીસરના સરપંચ પણ સામેલ હોવા અંગેનો ગુનો નોંધાયો હતો. જેને પગલે તાલુકા વિકાસ અધિકારીએ ખંભીસરના સરપંચ બળદેવ પટેલ પાસેથી સરપંચ પદના હોદ્દા ઉપરથી મોકૂફ કેમ ન કરવા તે અંગે લેખિતમાં ખુલાસો જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ આપવા માટેની નોટીસ પાઠવ્યા બાદ બુધવારે  જીલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનિલ ધામલીયાએ ખંભીસર ગામના સરપંચ બળદેવભાઈ ધુળાભાઈ પટેલને બહુચર્ચિત ખંભીસર વરઘોડા પ્રકરણમાં પંચાયત અધિનિયમ કલમ -૫૯(૧) મુજબ હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કરતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચ્યો હતો.
 
શું હતો સમગ્ર કેસ, બહુચર્ચિત ખંભીસર ગામના દલિત વરઘોડા પ્રકરણમાં ૧૨-૫-૨૦૧૯ના રોજ ખંભીસર ગામના જયેશભાઈનો વરઘોડો ગામમાં ન નિકળે તે માટે આ કામના આરોપીઓએ પોતાના સામાન્ય ઈરાદો પાર પાડવા એક સંપ થઈને તમામ પટેલ ફળિયાના નાકે હવનકુંડ બનાવી ભજન કિર્તન કરી રસ્તાઓ રોકી તેમજ પ્રેમનગર પટેલ ફળિયામાં જતા વરઘોડાને અટકાવી દલિતોની વિનંતીનો અસ્વિકાર કર્યો હતો અને જાહેરમાં જાતિ વિષયક અપમાનિત શબ્દો બોલવામાં આવ્યા હતા. જ્યારે ગાળો બોલીને પથ્થરમારો પણ કરવામાં આવતાં વરઘોડામાં સામેલ દલિતોને ઈજાઓ પણ પહોંચી હતી. બાદમાં સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું અને પોલીસ બંદોબસ્ત વચ્ચે યુવકનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. દલિત યુવકનો વરઘોડો રોકવા અંગે એટ્રોસીટી એક્ટ હેઠળ મોડાસા રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. દલિતનો વરઘોડો ન કાઢવા દેવા દલિતોને હેરાન કરનારાઓ સામે ગુનો નોંધાયો હતો અને અટકાયત પણ કરવામાં આવી હતી. જેમાં ખંભીસરના સરપંચને પણ ૨૧-૮-૨૦૧૯ થી ૩૧-૮-૨૦૧૯ સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા.  

આ અંગે તાલુકા વિકાસ અધિકારીએ ખંભીસરના સરપંચ બળદેવભાઈ ધુળાભાઈ પટેલને પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવાથી ગુજરાત પંચાયત અધિનિયમની કલમ હેઠળ તમોને સરપંચના હોદ્દા પરથી કેમ દુર ન કરવા તે અંગેનો ખુલાસો આપવા માટે નોટીસ આપી હતી. આ બાબતે સરપંચે લેખિત અથવા મૌખિક રજૂઆતો ૧૯ ડિસેમ્બર સુધી જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરવા જણાવવામાં આવ્યું હતું. નોટીસમાં વધુમાં જણાવ્યું હતું કે જો સમયમર્યાદામાં ખુલાસો આપવામાં નહીં આવે તો ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળની કલમની જોગવાઈઓને આધિન રહીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.