મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મોડાસાના ખંભીસર ગામમાં અનુ.જાતિ સમાજના યુવકના લગ્નમાં ગામના જાહેરમાર્ગો પર વરઘોડો કાઢવા માટે લગ્ન કરનાર યુવકના પરિવારજનોએ પોલીસ રક્ષણ માંગ્યું હતું. જેમાં પોલીસ રક્ષણ આપવામાં નિષ્ફળ રહેતા પોતાને ઉચ્ચ ગણતા જ્ઞાતિના લોકો અને અનુ.જાતિ સમાજના જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસે અનુ.જાતિ આગેવાન હસમુખ સક્સેના સહીત બંને પક્ષના ટોળા સામે પોલીસને જાનથી મારી નાખવાના આશયથી હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે અરવલ્લી પોલીસે હસમુખ સક્સેનાને તડીપાર કરવા દરખાસ્ત કરતા મોડાસા પ્રાંત અધિકારીએ નોટિસ ફટકારી બચાવ કરવા માટે આધાર પુરાવા રજુ કરવા જાણ કરી ૧૯ તારીખે હાજર થવા તાકીદ કરતા રાજ્યના અનુ.જાતિ સમાજના લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

લોકોનું કહેવું છે કે, અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં અનુ.જાતિ સમાજના અગ્રણીઓ અને સંગઠનોએ અનુ.જાતિ સમાજના અગ્રણી હસમુખ સક્સેના પોલીસતંત્ર દ્વારા ખોટી રીતે હેરાન પરેશાન કરવાના આશયથી અલગ-અલગ કલમો લગાડવામાં આવી છે. તેમજ તડીપાર કરવાની નોટિસ આપવામાં આવતા દલિત સમાજની લાગણી દુભાઈ હોવાનું જણાવી આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. અરવલ્લી જીલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી પોલીસતંત્ર ખોટી રીતે તડીપાર કરવા માંગતી હોવાની રજૂઆત કરી હતી.

અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, સામાજિક અગ્રણી હસમુખ સક્સેના કોઈ ગુનાહિત કૃત્ય કરેલ નથી અને ભૂતકાળનો પણ પોલીસ રેકાર્ડ ની તપાસ કરી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેશલેશ અભિયાનને સમર્થન આપવા દેશમાં સૌપ્રથમ કેશલેશ  સમુહલગ્ન બાયડ ખાતે યોજ્યા હતા સમગ્ર દેશમાં અને રાજ્યમાં વ્યસન મુક્તિ અભિયાન પણ ચલાવી રહ્યા છે. સામાજિક સમરસતા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્યારે અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની ઉતાવળી કામગીરી સમરસતા અભિયાન માટે ભારે નુકશાન કારક બની શકે છે. પોલીસતંત્રની કામગીરીથી રાજ્યમાં અનુ. જાતિ સમાજમાં સરકારની છબી ખરડાઈ રહી હોવાનું જણાવી યોગ્ય ન્યાય ની માંગ કરી હતી.