પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.આણંદ): હમણાં આપણે દિલ્હી અને આણંદના ખંભાતમાં કોમી તોફાન જોયા, આ બંન્ને તોફાનો બાદ પોલીસ  ઉપર આરોપ લાગ્યા કે પોલીસની હાજરી હતી છતાં પોલીસ નિષ્ક્રીય રહી હતી. જે પોલીસનું કામ લોકોના જીવ અને જાનમાલનું રક્ષણ કરવાનું છે તેની સામે જ જ્યારે હિંસા તાંડવ કરે અને પોલીસ મુક પ્રેક્ષક બની જાય ત્યારે સમજવું કે ગ્રાઉન્ડ ઉપર રહેલી પોલીસને પોતાના ઉપરી અધિકારી ઉપર ભરોસો નથી અને કોઈ અનિચ્છનિય પરિણામ આવશે તો તેના ઉપરી અધિકારી તેની પડખે ઊભો રહેશે નહીં તેવો ડર જ્યારે પોલીસના મનમાં ઊભો થાય ત્યારે પોલીસ લોકોને બચાવવાને બદલે પોતાની નોકરીની સલામતીની ચિંતા કરવા લાગે છે.

દિલ્હીની વાત તો દુરની છે પણ આણંદનું ખંભાત તેનું ઉત્તમ ઉદાહરણ છે, ટુંકાગાળામાં ખંભાતમાં કોમી તોફાન ત્રીજી વખત થયા હતા. ખંભાતમાં છેલ્લો બનાવ બન્યો તે બહુ વ્યાપક હતો અને મોટી સંખ્યામાં સશસ્ત્ર પોલીસ હાજર હોવા છતાં પોલીસે તોફાન રોકવા માટે કોઈ અસરકારક કામગીરી કરી નહીં, આવું કેમ બન્યું તે સમજવા માટે તોફાનની બીજી ઘટના પર નજર કરવી પડે.

તા 24મી જાન્યુઆરીના રોજ ખંભાતમાં  આવેલા અકબરપુરા વિસ્તારમાં કોમી તોફાન શરૂ થતાં ખંભાત પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લેવા પ્રયત્ન શરૂ કર્યા, આ બનાવની જાણ થતા આણંદના એસપી મકરંદ ચૌહાણ અને એલસીબી ઈન્સપેકટર  આર આર વિરાણી પણ ખંભાત પહોંચી ગયા.

ખંભાત પોલીસ તોફાનીઓને કાબુમાં લેવા માટે  ટીયરગેસ સેલ છોડી રહી હતી, અકબરપુરના તીનબત્તી વિસ્તારમાં તોફાન વ્યાપક હોવાને કારણે એસપી ચૌહાણ અને ઈન્સપેકટર વિરાણી એક કમાન્ડો સાથે તે તરફ દોડયા, માત્ર ત્રણ પોલીસ અધિકારીઓ હતા. બાકીનો પોલીસ સ્ટાફ અન્ય સ્થળે હતો. એસપી ચૌહાણ, ઈન્સપેકટર વિરાણી અને કમાન્ડો આમ કુલ ત્રણ એકલા જ હોવાને કારણે ટોળાને શુરાતન ચઢયું, તેમણે  પોલીસને ઘેરી પથ્થરમારો શરૂ કર્યો, કમાન્ડોએ પોતાની પાસે રહેલી ગેસગનમાંથી ગેસના ગોળા  છોડવાની શરૂઆત  કરી, પણ ગેસના ગોળા જુના થઈ ગયા હતા જેના કારણે ચાર ગોળા છોડયા પણ ત્રણ ફુટયા જ નહીં.

ગેસની કોઈ અસર નહીં થતાં તોફાનીઓ ગેલમાં આવી ગયા, હવે સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી હતી. એસપી ચૌહાણે ઈન્સપેકટર વિરાણીને ગોળીબાર કરવાનો આદેશ આપ્યો, વિરાણીએ પોતાની સર્વીસ પીસ્તોલમાંથી હવામાં ગોળીબાર શરૂ કર્યો, ગોળીબાર થતાં નાસભાગ શરૂ થઈ અને દસ મિનીટમાં તોફાન શાંત થઈ ગયુ્ં, વિરાણીએ કુલ છ રાઉન્ડ ગોળી ચલાવી હતી, આ દરમિયાન હોસ્પિટલથી જાણકારી મળી કે એક વ્યકિતને ગોળી વાગી હતી. જેમાં તેનું મોત થયું હતું. આ બનાવ બાદ તરત સિનિયર પોલીસ અધિકારીઓ ગાંધીનગરથી આણંદ દોડી આવ્યા, તપાસ અને સવાલો શરૂ થયા અને એક વ્યકિતનું મૃત્યું થયું હોવાને કારણે હત્યાનો ગુનો નોંધવાનો આદેશ આપવામાં આવ્યો.

આ વખતે એસપી ચૌહાણે સિનિયર અધિકારીઓ સામે કહેવાની જરૂર હતી કે, હું સ્થળ ઉપર હાજર હતો, ગોળીબાર અનિવાર્ય હતો, પણ તેવી હિંમત એસપી ચૌહાણ કરી શકયા નહીં અને હત્યાનો ગુનો નોંધાયો. બાકી હતું તો એસપી ચૌહાણે  પોતાની જાત બચાવી લેવા ઈન્સપેકટર વિરાણીની  ક્રાઈમ બ્રાન્ચમાંથી બદલી કરી તેમને આઈબીમાં મુકી દીધા.

આ પ્રકારના એસપી અને સિનિયર અધિકારીઓની માનસીક વલણની  માઠી  અસર પોલીસ ઉપર પડી અને તા 23 ફેબ્રુઆરીના રોજ ફરી તોફાન શરૂ થયું, ટોળાઓ એકસો કરતા વધુ  મકાનોને આગ ચાંપી અને 70 વાહનો સળગાવી દોઢ કરોડની લૂંટ કરી આ વખતે પોલીસ ત્યાં હાજર હતી પણ મહિના પહેલા અસરકારકાર કામગીરી કરનાર પોલીસની હાલત તેમણે જોઈ હતી. જેના કારણે એક પણ ગોળીબાર કર્યો નહીં.