મેરાન્યૂઝ નેટવર્ક.ખંભાળિયા : શહેરમાં કાયદાનો ભય ઓસરી જતાં ગુંડા તત્વોની સંખ્યા વધતી જાય છે, આવા લોકોના કાયદો હાથમાં લેતા વખતે હાથ થરથરતા બંધ થઈ ગયા છે. એક શરમજનક ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો છે. જેને લઈને શહેરના લોકો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. એક યુવકને ખંભાળિયામાં બજારમાં નગ્નાવસ્થામાં કેટલાક શખ્સોએ મળી ફેરવ્યો હતો. ખંભાળિયાની બજારો જે જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓની પણ અવરજવર હોય છે, ત્યાં કેટલાક લોકોએ યુવકને નગ્ન કરીને ફેરવ્યો હતો. એટલું ઓછું હતું ત્યાં આ શખ્સોની હિંમત તો જુઓ કે, યુવકને બજારમાં ફેરવ્યા બાદ નગ્ન સ્થિતિમાં જ પોલીસ મથકમાં મૂકી આવ્યા હતા. જોકે પોલીસે બાદમાં આ વીડિયો વાયરલ થઈ ગયા પછી બંનેનું એ જ બજારમાંથી સરઘસ કાઢ્યું હતું.

જાણવા મળતી વિગતો મુજબ, જે યુવકને નગ્ન કરીને ભરબજારે ફેરવવાયો તે યુવક સોશિયલ મીડિયા દ્વારા દારૂ જુગાર સહિતની કાર્યવાહી અંગે પોલીસને ભાંડતો રહે છે. થોડા દિવસો પૂર્વે આ યુવકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ શખ્સો અંગે પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. જે પોસ્ટ જોઈ તેઓ લાલઘૂમ થઈ ગયા હતા, પછી પોતાની તાકાત કાયદાથી ઉપર હોવાનું બતાવવા તેમણે એક તરકીબ કરી હતી. કેટલાક શખ્સોએ તેને કારમાં બેસાડયા બાદ નગ્ન કરીને ભર બજારમાંથી પોલીસ મથક સુધી લઇ જવામાં આવ્યો હતો. એટલું જ નહીં તેને પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ પોલીસ પણ જાણે પોતાની પર્સનલ રાખેલી હોય તેમ ઓર્ડર કર્યો કે, આને રૂમમાંબેસાડી દો.... આવો હુકમ પણ ફરજ પર હાજર પોલીસને કર્યો હતો.

આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કાયદો વ્યવસ્થાને લઈને સવાલો ઉઠતા 5 આરોપીને ઝડપી લઈને તેમનું સરઘસ કાઢ્યું હતું અને લોકોની નજરમાં પોલીસની છબી સુધારવા તથા કાયદાનું શાસન છે તેવું દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો.