મેરાન્યૂઝ નેટવર્ક.દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયા ખાતે આજે ઘટેલી ઘટનાએ સ્થાનિકોની ઊંઘ ઉડાવી હતી. ભર બજારે એક યુવતીને લઈ આવેલ શખ્સે બરાડા પાડી પોકાર કર્યો કે, ' મારે પુત્રી વેચવી છે, ખરીદવી છે કોઈને!! 'અજાણ્યા શખ્સના પોકારને લઈને બજારમાં સન્નાટો પ્રસરી ગયો હતો અને સૌ કોઈ એ પુરુષ અને તેની સાથેની યુવતી સામે જોતા જ રહી ગયા, પછી સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો હતો.

પછાત રાજ્યોમાં યુવતીઓ વાળા પરિવારજનો યુવતીઓને વેચી નાખતા હોવાના અનેક કિસ્સા પ્રસાર માધ્યમોમાં વારે વારે વાંચવા મળે છે પરંતુ આવો કિસ્સો ગુજરાતમાં અને એ પણ જાહેરમાં બની શકે? વાત છે ખંભાળિયાની, જ્યાં આજે દરરોજની જેમ બપોરે બજાર ધમધમતી હતી ત્યાં જ મુખ્ય બજારમાં એક પ્રૌઢે એકાએક પોકાર પાડ્યો. 'મારે પુત્રી વેચવી છે, છે કોઈ ખરીદનાર ?' અજાણ્યા પ્રૌઢ સાથે સાચે જ એક યુવતી પણ હતી. આ યુવતી પોતાની જ પુત્રી છે અને વેચવી છે એમ એ પ્રૌઢ સ્પષ્ટતા કરતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. પ્રથમ વખતના પોકારમાં બજારની ચહલપહલને કઈ ગતાગમ ન પડી, પરંતુ બે ત્રણ વખત અને ઊંચા અવાજે ફરી ફરીને એ અજાણ્યા પ્રૌઢે બરાડા પાડતા એક સમયે ધમધમતી બજાર પણ થંભી ગઈ હતી.

આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ મુખ્ય બજારમાં દોડી ગઈ હતી અને અજાણ્યા પરપ્રાંતીય જેવા લાગતા શખ્સની અટકાયત કરી પોલીસ દફતર લઇ ગઈ હતી. અજાણ્યા શખ્સે દારૂના નસામા વાણી વિલાસ આચાર્યો હોવાની બજારમાં ચર્ચા વચ્ચે પોલીસે શખ્સની પૂછપરછ કરી હતી. જેમાં પુત્રી વેચવાને લઈને સમર્થન મળ્યું ન હતું. બજારમાં પોકાર કરનાર શખ્સ માનસિક અસ્થિર હોવાથી આમ વર્તન કરતો હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યુ છે.