મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ દેવ ભૂમિ દ્વારકા જિલ્લાના અસ્તિત્વ બાદ જિલ્લા પંચાયતમાં સત્તા માટે ભાજપ કોંગ્રેસ વચ્ચે કસોકસની રાજનીતિ ચાલી રહી છે. પ્રથમ પંચાયતના અસ્તિત્વ બાદ ક્યારેક કોંગ્રેસ તો કયારેક ભાજપ સત્તા માટે સતત કાવાદાવા કરતો રહ્યો છે. બંને પક્ષને પાતળી બહુમતી વચ્ચે સતત બે ટર્મથી રાજકીય અસ્થિરતા સર્જાઈ છે. અમુક સભ્યોના પક્ષ પલ્ટા બાદ આવી સ્થિતિ નિર્માણ પામતી આવી છે.

રાજકીય પક્ષોના સદસ્યો વચ્ચે એક એક સભ્યના અંતર વચ્ચે બંને પક્ષમાં પંચાયતની ધુરા સંભાળવા સતત કાવાદાવા ખેલાતા આવ્યા છે. ત્યારે તાજેતરની અસ્થિરતા વચ્ચે કોંગ્રેસના મહિલા પ્રમુખને પક્ષાંતર ધારા હેઠળ હટાવાયા બાદ ગઈ કાલે પ્રમુખની ચૂંટણી યોજાવવાની હતી પરંતુ સસ્પેન્ડ કરાયેલા મહિલા પ્રમુખે હાઇકોર્ટની વાટ પકડી અરજી કરી હતી. જે અન્યવે વડી અદાલતે હોદ્દેદારોની ચૂંટણી પર સ્ટે આપી દેતા મામલો પેચિદો બન્યો છે. બીજી તરફ સત્તા કબ્જે કરવા ભાજપના કેબિનેટ મંત્રી ચાવડા છેલ્લા કેટલાય દિવસથી દ્વારકા જિલ્લામાં લોબિંગ કરી રહ્યા હતા. 

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતનું રાજકારણ હંમેશા વિવાદમાં રહ્યું છે.

જિલ્લાના અસ્તિત્વ બાદ પ્રથમ વખતની જિલ્લા પંચાયતમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સદસ્યોની પાતળી સરસાઈ વચ્ચે ભાજપાએ જે તે સમયે હાલના ભાજપના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી હકુભા જાડેજા જૂથને લપડાક આપી સતા હાંસલ કરી હતી. ત્યારબાદ ક્યારેક ભાજપ તો ક્યારેક કોંગ્રેસ સત્તા પર આવતો રહ્યો છે. તાજેતરમાં ભાજપમાંથી કોંગ્રેસમાં ભળી ગયેલ સદસ્ય રેખાબેન ગોરીયાને કોંગ્રેસે જિલ્લા પ્રમુખ બનાવી દેતા આ મામલો વિકાસ કમિશનર સુધી પહોંચ્યો હતો.

જેમાં પક્ષાન્તર ધારા હેઠળ હાલના મહિલા પ્રમુખને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ મહિલા પ્રમુખે હાઇકોર્ટમાં દાદ માંગી હતી.

બીજી તરફ જિલ્લા પંચાયતના હોદ્દેદારની ચૂંટણી પ્રક્રિયાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ જતા છેલ્લા એક સપ્તાહથી બંને પક્ષે ચહલ પહલ શરૂ થઈ ગઈ હતી. રાજ્યના કેબિનેટ મંત્રી જવાહર ચાવડા પણ છેલ્લા કેટલાય દિવસોથી ભાજપ સત્તા પર આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ભાજપ દ્વારા તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા પીએસ જાડેજાના નામ પર મહોર મારવામાં આવી હતી, તો કોંગ્રેસ દ્વારા પૂર્વ પ્રમુખ મિતલબેન ગોરીયાને યોગ્ય ઠેરવી દાવેદારીમાં ઉતર્યા છે. જો કે ચૂંટણી યોજાય તે પૂર્વે પૂર્વ પ્રમુખ ગોરીયાની અરજીને ધ્યાને લઇ હાઈ કોર્ટ દ્વારા આજે ચૂંટણી પ્રક્રિયા પર સ્ટે લગાવી દેવામાં આવ્યો છે. જેને લઈને હાલ ગરમાયેલ માહોલ પર ઠંડુ પાણી ફરી વળ્યું છે. 

હાલ દ્વારકા જિલ્લા પંચાયતની સભ્યોના સંખ્યાબળની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પાસે હાલ ૯ સભ્યોનું સંખ્યાબળ તો ભાજપ પાસે પોતાના ૮ સભ્યો છે ત્યારે મુકાબલો રસપ્રદ બનવાની પૂરતી શક્યતા સેવાઇ રહી હતી.

બીજી તરફ રાજકીય પંડિતોના જણાવ્યા અનુસાર તોળજોડમાં ભાજપનું પલ્લું ભારે છે હાલ ભજપાએ  કોંગ્રેસના બે સભ્યો સંપર્કમાં છે તેમજ અન્ય બે  અપક્ષ સભ્યો પણ ભાજપ તરફ જોક ધરાવતા થઈ ગયા છે. જોકે આ સમીકરણ મુજબ ચૂંટણી યોજાય તે પૂર્વે વડી અદાલતના સ્ટે ઓર્ડરે જંગ રોમાંચક બનાવ્યો છે.