નિમેશ જોશી (મેરાન્યૂઝ.અમદાવાદ): થડ પર કોતરકામ હજી છે. મનનું સાચું સુખધામ હજી છે સામે મારુ ગામ હજી છે  ! કેવું મસ્ત મજાનું ગામ. સાતપુડા ડુંગરથી ધાતરવડીની તળેટી વચ્ચે સપ્રમાણ જીવતું ગામ. પ્રવેશતા રસ્તા પર જ પિંગળવીર હનુમાનથી પોતાનું લાગતું આ ગામ નાનુડી મંદિર થઈને સામા કાંઠેથી બહાર નીકળીએ ત્યારે એવું તો ચોક્કસ અનુભવાય કે મારું કંઈક અહીં મારાથી છૂટી ગયું છે !

બચપણના દિવસો - કુમારશાળા , એલ એલ ઉદાણી પ્રાથમિક શાળા અને  જે એન મહેતા હાઈસ્કૂલની યાદો ક્યારેય ખૂટે તેવી જ નથી. આવી યાદોમાં ભૂલા પડતાં જ વર્તમાનની તમામ સફળતા, સંઘર્ષ, સાધનો કે સાધ્યો આપોઆપ ખરી જાય છે અને મીઠી મજાની મધુરપ ભરેલું  મન - મસ્તિષ્ક પર સવાર થઈ જાય છે. આજે હવે સમજાય છે કે જીવનના તમામ સુખ સમૃદ્ધિ પછી પણ બાળપણના સહજ આનંદની તુલનામાં જગતનું બીજું કશું જ નથી આવતું. કમનસીબે આપની હાઈસ્કૂલના ક્રિકેટ ગ્રાઉન્ડની જેમ જ બચપણની બાઉન્ડ્રી પણ નીલગીરીના ઊંચા ઝાડ પાસે જ પૂરી થઈ જાય છે !

મને એ દિવસો યાદ આવે છે કે તરુંબેનનો ટહુકા ભર્યો અવાજ,  મીનાબેનનો શિસ્તભર્યો પ્રભાવ અને લાખાણી સાહેબનો 'ચીરીને મીઠું ભરી દઈશ'નો રણકતો અવાજ કેટલો મૂલ્યવાન હતો. સુરેશ સાહેબ રમતા રમતા ભણાવતા કે ભણાવતા ભણાવતા રમાડતા એ આજ સુધી ક્યાં સમજાયું છે ! પંડ્યા સાહેબનો ત્રિકોણનો પ્રમેય અભ્યાસ સિવાય કેટલું બધું કામ લાગ્યો ! ભરતભાઈની ધીર ગંભીર વાત અને વાર્તાઓ તો દુર્લભ જ કહી શકાય. યોગેશભાઈનો ' જે રહેલો છે તે ' બંને હાથે લખનારો આત્મા  આટલી ઝડપથી કેમ જતો રહ્યો ?  વસુબેનનું કોઈના પણ અવસાન વખતનું  મંગળ મંદિર ખોલો ગીત તેમના ડુસકા વગર આજે પણ કોઈ ગાય ત્યારે  અધૂરું જ લાગે . પ્રતિભાબેનનું અધુરમ મધુરમ. સુંદરાણી સાહેબનું અડગ હિન્દી કે સાગર સાહેબનું શિસ્તભર્યું અંગ્રેજી. અને આ બધું પણ ત્યારે જ સમજાય જ્યારે શાહ સાહેબ કેરમની કુકરીની જેમ શાળાની બાહ્ય સમસ્યાઓને દૂર કરે અને સવારે 07:05 મિનિટે મારા પિતા (જોશી સાહેબ ) ના મંજીરાં નાદથી પ્રાર્થનાનો સૂર્યોદય થાય.

કેટલા મજાના દિવસો હતા ! ખરેખર ખાંભામાં કંઇક જાદુ હતો. આજે પણ કોઇ ચૂંબકીય શક્તિ આપણને હંમેશને માટે ત્યાં ખેંચતી રહે છે. સાહિત્યકારો કદાચ સાચા જ છે કે , આપણામાં રહેલા નાદાન, સરળ અને સહજ બાળક માટેનું ગોકુળ આપણું પોતાનું વતન જ હોય છે. મોટા થયા પછી ત્યાં જઈએ ત્યારે આ જ ખાંભાનું ચિત્ર આપણને કદાચ જુદું પણ અનુભવાયું હશે, પરંતુ તેનું કારણ ખાંભા નહીં આપણી બદલાયેલી મનોભાવના કે પરિસ્થિતિ જ હોય છે.

આજે ખાંભા જઈએ તો આપણને તરત જ ઓળખી જનારા પણ હવે ગણ્યા ગાંઠ્યા જ મળે અથવા તો ક્યારે પાછા જવું છે એવું સીધું પૂછનાર વધારે મળે ! આવું થવું  સ્વાભાવિક પણ છે. આપણે પોતે ખાંભા માટે નથી બદલાયા માટે આપણી ખાંભા પ્રત્યેની અપેક્ષા દ્રષ્ટિ પણ હજી એવી ને એવી જ રહી છે.

આપણને તો હજી પણ ભોળાભાઈ, નાથાભાઈ કે રવજીભાઈની ખારી સિંગ કે પિપર જોઈએ છે. ગંભીર દાદાના બટાકા ભૂંગળા જોઈએ છીએ. મધુભાઈ કે ભગવતીની સોડા જોઈએ છીએ. નાગરાજની ભેળ જોઈએ છે. દલપતદાદાના પેંડા જોઈએ છીએ. મનુભાઈની ટુટીફ્રુટી જોઈએ છે. દવા પણ પારસ કે અજમેરાની જોઈએ છે. કાપડ પણ સીસી કે પીટીની મેડીનું જોઈએ છે. ધકાણ કે જશુભાઈનું સોનું જ માત્ર આપણને આજે પણ સાચું લાગે છે !  ગાંઠિયા ફાફડા ને ખમણ પણ ખાંભાના જ જોઈએ છે. આ બધું જ આપણને જોઇએ છે કારણ કે આપણને હજી પણ ખાંભા જ ગમે છે.

વિચાર કરો કે ખાંભા કરતાં બધી જ સારી સુવિધા, વસ્તુ વહેવાર, સંબંધ કે ભવિષ્ય આપણને બહારથી મળી જ રહ્યા છે  છતાં પણ -  ખાંભા જેવું નહીં - એવું આપણા દ્વારા બોલાતા વાક્યની પાછળ જો કોઈ એક માત્ર મજબૂતાઇ હોય તો તે છે આપણું સદનસીબ.

આપણે સૌ નસીબદાર છીએ કે, મજાનુ , મસ્ત અને જબરજસ્ત બચપન આપણા ખાંભામાં આપણને જીવવા મળ્યું. શિક્ષણ સંસ્થા અને સાચા શિક્ષકો મળ્યા અને સૌથી મહત્વનું  તો  દમદાર મિત્રો મળ્યા. બીજી બેન્ચમાં ભિત બાજુથી ત્રીજો નંબર વાતો કરે છે માટે ઊભા થઈ જાય એવું કહેનારા આપણે જ આજે મિત્રો સાથે બેસવા કેવા તલપાપડ છીએ !  શનિવાર આવે અને  શ્રીફળની પ્રસાદી માટેનો સ્વાદ આજે પણ પ્રત્યેક શનિવારે જીભ પર આવી જાય છે . સિદ્ધેશ્વર,  નાનુડી , ઉપાશ્રય,  હવેલી,  અંબામાતાનો ચોક કે પોલીસ લાઈનની ગરબીની મજા - મન મોર બનીને નાચવા જ માંડે છે.  એ રાસ ગરબો પણ કેવો સાચો પડ્યો  કે મારા હીરાગર મોરલા ઉડ્યા ઉડ્યા - બધા જ ઉડી ગયા. કોઈ ક્યાંય તો કોઈ ક્યાંય. ખાંભા છૂટી ગયું ! 

ખાંભાની નાજુક નમણી છોકરીઓ પણ કે જેઓ - મારો ગોરબંદો નખરાળો કહીને રાજસ્થાની નૃત્ય કરતી હતી એ આજે નખરાળા પતિઓને બીજા રાજ્યો કે દેશોમાં સ્થાઈ થઈને પણ કાબૂમાં રાખતી થઈ ગઈ! ત્યારે એક વાત સમજાય છે કે ધાતરવડીનું પાણી એટલે ધાતરવડીનું પાણી. 

મિત્રો - આનંદ ક્યાંય પહોંચી જવાનો નથી હોતો. કોઈ પણ ક્ષેત્રમાં ટોચ પર પહોંચ્યા પછી પણ ત્યાં સતત ટકી રહેવાની ચિંતા હોય જ છે. સાચો આનંદ તો મુસાફરીનો હોય છે. પ્રવાસમાં જ મજા હોય છે. માટે જ ખાંભા હવે આપણા માટે માત્ર ગામ નહીં આપણા જીવન પ્રવાસનુ પ્રથમ અને આજીવન ધામ છે.

આદિલ મન્સૂરીની રચના મને બહુ ગમે છે કે જે આપણા સૌ માટે તો જાણે અનુભૂતિનું રાષ્ટ્રગીત છે 
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ ખાંભા , આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની ખબર ( કબર ) મળે ન મળે.
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.