મેરાન્યૂઝ નેટવર્ક, ખંભાળીયા: ચાલુ વર્ષે ખરીફ સીજન નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. એક તરફ સરકારે માત્ર ૧૬ તાલુકા જ અછતગ્રસ્ત જાહેર કરતા હાલારના ખેડૂતોમાં ઠેર ઠેરથી વિરોધ ફાટી નીકળ્યો છે. ગઈ કાલે જામનગર જીલ્લાના ખેડૂતોએ પાક વીમા અને અછતગ્રસ્તની માંગણી સાથે વિરોધ દર્શાવ્યા બાદ આજે દેવભૂમિ દ્વારકાના ખેડૂતોએ આ જ મુદ્દે એકત્ર થયેલા જિલ્લાભરના ખેડૂતોએ રેલીની જગ્યાએ દંડવત કરી કલેક્ટર કચેરી પહોચ્યા હતા અને પોતાની માંગણી દર્શાવતી લાગણી મૂકી દંડો ઉપાડવાની પણ તૈયારી દર્શાવી છે.

આ વર્ષે નબળા ચોમાસાને લીધે ખરીફ પાકનું ચિત્ર નિષ્ફળ નીવડ્યું છે. હાલારના બંને જીલ્લાના મુખ્ય પાક મગફળી અને કપાસનો પાક અંતિમ તબ્બકામાં પહોંચે તે પૂર્વે જ મુરજાઈ ગયો છે. બીજી તરફ વરસાદની ઘટના પગલે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના માત્ર ૧૬ તાલુકા જ અછતગ્રસ્ત જાહેર કરતા સૌરાષ્ટ્રભરના ખેડૂતોમાં રોષ ફેલાયો છે. રાજ્યના મોટાભાગના ધારાસભ્યોએ પોતાના વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરી છે. ત્યારે સરકાર દ્વારા અન્ય જિલ્લાઓના દુષ્કાળગ્રસ્ત તાલુકાઓમાં ધ્યાન નહિ આપતા ખેડૂતોનો રોષ તાલુકા મથકો સુધી પહોચી રહ્યો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના મોટાભાગના તાલુકાઓમાં દુષ્કાળની સ્થિતિ નિર્માણ પામી છે ત્યારે સરકારે ૧૨૫ મીમી કરતા ઓછા વરસાદ ધરાવતા તાલુકાઓને જ અછતગ્રસ્ત જાહેર કરવાનો પારો નક્કી કર્યો છે. પરંતુ આ પેરામીટરમાં આવતા અનેક તાલુકાઓને સરકારે અછતગ્રસ્ત જાહેર કર્યા નથી. ઉપરાંત અમુક તાલુકા મથક અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૨૫ મીમી કરતા વધુ વરસાદ પડ્યો છે પણ એક વરસાદ એક જ દિવસમાં પડ્યો હોય એવા દાખલા પણ છે અને આ જ શ્રેણીના અન્ય ગામડાઓમાં મીમીના બે આકડાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે આ ગામડાઓને અન્યાય થઇ રહ્યો છે.

ગઈ કાલે જામનગરના જોડિયા ખાતે ખેડૂતોએ રેલી કાઢી આવેદન આપ્યા બાદ આજે ખંભાલીયા ખાતે આ જ બાબતને લઈને જીલ્લાભરના ખેડૂતો એકઠા થઇ વિરોધ દર્શાવ્યો હતો. સ્થાનિક ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ ખેડૂતોએ અછતગ્રસ્તની સ્થિતિ વચ્ચે પાક વીમો તાત્કાલિક ચૂકવી આપવા અને ક્રોપ કટિંગમાં પોલીસને સાથે રાખી ખેડૂતો પર હાવી થવાની સરકાર અને ખાનગી કંપનીઓની ચાલને તાત્કાલિક બંધ કરાવવા અનોખો વિરોધ કાર્યક્રમ કર્યો હતો. ખેડૂતોએ રેલી કાઢવાની જગ્યાએ એકત્ર થઇ દંડવત કરી કલેકટર કચેરી પહોચ્યા હતા અને વહીવટી અધિકારીઓ સમક્ષ પોતાની ઉપરોક્ત માંગણીઓ મૂકી હતી. હવે પછી આ તમામ બાબતો નહી ઉકેલાય તો ખેડતો દંડવત નહિ પણ દંડા સાથે વિરોધ પર ઉતરી આવશે એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.