મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: પબ્લિક અફેયર સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા પબ્લિક અફેયર ઇન્ડેક્સ 2018 અનુસાર પિનરઇ વિજયન શાસિત કેરળ સૌથી સારી સરકાર ચલાવનાર રાજ્ય છે. જ્યારે ભાજપની વિજય રૂપાણી સરકાર શાસિત ગુજરાત આ યાદીમાં છેક છઠ્ઠા ક્રમે છે.

થિંક ટેંક પબ્લિક અફેયર સેન્ટર (પીએસી)ના ચેરમેન અને ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન એવા કે. કસ્તૂરીરંગનને કહ્યું હતું કે દેશની વધતી વસ્તીને જોતા વિકાસ સંબંધી પડકારોનો ઉકેલ લાવવો જરૂરી છે. પીએઆઇ દ્વારા ભારતના રાજ્યોના પ્રદર્શનનું આકલન કરવામાં આવે છે. આ યાદીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માનવ વિકાસનો સપોર્ટ, સામાજીક સુરક્ષા, કાયદો-વ્યવસ્થા, મહિલાઓ-બાળકોની સ્થિતિનું આંકલન કરવામાં આવે છે.

PAI દ્વારા જાહેર કરાયેલ યાદીમાં ગુજરાતની વાત કરીએ તો દેશના 30 રાજ્યોમાં છઠ્ઠા ક્રમે છે. આ યાદીમાં ગુજરાત વર્ષ 2017માં ત્રીજા સાથે હતું. જ્યારે 2016માં સાતમાં ક્રમે હતું. આમ 2017માં ગુજરાતમાં સુધારા બાદ ફરી એક વખત 2018માં સરકારની કામગીરી નબળી પડી છે તેમ આ આંકડાઓ દર્શાવી રહ્યા છે.

વર્ષ 2018ના ગવર્નેસ ઇન્ડેક્સ ક્રમ અને રાજ્ય અનુસાર ટોપ ટેન રાજ્યોમાં પ્રથમ ક્રમે કેરળ, બીજા ક્રમે તમિલનાડુ, ત્રીજા ક્રમે તેલંગણા, ચોથા ક્રમે હિમાચલ પ્રદેશ, પાંચમા ક્રમે કર્ણાટક, છઠ્ઠા ક્રમે ગુજરાત, સાતમા ક્રમે મહારાષ્ટ્ર, આઠમા ક્રમે પંજાબ, નવમા ક્રમે આંધ્ર પ્રદેશ અને દસમા ક્રમે ગોવા છે. જ્યારે સીએમ યોગીનું ઉત્તર પ્રદેશ 25માં ક્રમે અને સૌથી છેલ્લા 30મા ક્રમે બિહારનો સમાવેશ થાય છે.