મેરાન્યૂઝ નેટવર્ક.સુરત: કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાતનો મૃત્યુદર ઘટી રહ્યો છે અને રિકવરી રેટ વધી રહ્યો છે, નવા કેસોનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે એ શુભ સંકેત છે. અનેક દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફરી રહ્યાં છે. સુરતના પાંડેસરામાં રહેતા દક્ષિણ ભારતીય પરિવારના ત્રણ સભ્યોને કોરોનાએ ઝપેટમાં લીધા, પરંતુ કુટ્ટન પરિવારના જોમ-જુસ્સા સામે કોરોના ઘૂંટણીયે પડ્યો. ત્રણે સભ્યો કોરોનાને સામૂહિક લડત આપીને વિજયી બન્યાં છે.

મૂળ કેરળ રાજ્યના એલેપ્પી નગરના નિવાસી અને સુરતમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા ઓમનભાઈ કુટ્ટન પત્ની અંબીલીબહેન અને પુત્રી આર્યા સાથે પાંડેસરા વિસ્તારમાં નાનકડા પરિવાર સાથે આનંદકિલ્લોલથી રહે છે. પણ આ સુખી પરિવાર પર કોરોનાની નજર લાગી અને તમામ સભ્યો કોરોનાગ્રસ્ત થતા એક સમયે કોણ કોની સંભાળ રાખે એવી કપરી સ્થિતિ સર્જાઈ. હસતો રમતો પરિવાર કોરોનાના કહેરથી હોસ્પિટલના બિછાને આવી પડ્યો.

૫૦ વર્ષીય ઓમનભાઈને તા.૨૨ એપ્રિલે ન્યુમોનિયા થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં, અને સારવાર હેઠળ હતાં એ દરમિયાન તેમના પત્ની અંબીલીબહેન પણ તા.૨૭મીએ કોરોના પોઝિટીવ આવ્યાં હતાં, શ્વાસ લેવામાં સમસ્યા હોવાથી તેમને સિવિલમાં દાખલ કરાયા. અધૂરામાં પૂરું તેમની પુત્રી આર્યાનો પણ રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, વધુ તકલીફ ન હોવાથી તેણે હોમ ક્વોરન્ટાઈન રહી સારવાર મેળવી હતી. આમ, ટૂંકા ગાળામાં પતિનું ખરાબ સ્વાસ્થ્ય અને સાથોસાથ માતા પુત્રી કોરોનાગ્રસ્ત થતાં સંપૂર્ણ પરિવાર ચિંતામાં મૂકાયો હતો.


 

 

 

 

 

આગળનો ઘટનાક્રમ જણાવતા અંબીલીબહેન જણાવે છે કે, બમરોલી હેલ્થ સેન્ટરમાં દાખલ થયાં ત્યારે તપાસ દરમિયાન પતિનો પણ  કોવિડ રિપોર્ટ પોઝિટીવ આવ્યો. ન્યુમોનિયા તો હતો જ, હવે કોરોના થતા પરિવાર પર ગ્રહણ લાગ્યું હોય એવું લાગ્યું. સારવાર માટે તેમને તા.૩૦મી એપ્રિલના રોજ સિવિલમાં રિફર કરાયા હતા. એક બાજુ સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહેલા પતિની ચિંતા અને બીજી બાજુ અમે માતાપુત્રી પણ કોરોનાગ્રસ્ત હોવાથી શું કરવું એ કંઈ સુઝતું ન હતું. પરંતુ નવી સિવિલના તબીબો મને પતિના ખબર-અંતર આપતા રહેતા અને 'જરા પણ ચિંતા ન કરવા જણાવતાં. અમે ઓમનભાઈને અને તમને બંનેને સ્વસ્થ કરીને જલ્દી જ ઘરે મોકલશું' એવું કહેતા ત્યારે ખૂબ રાહત થતી. વિડીયોકોલથી વાત કરી પરસ્પર એકબીજા સાથે સંપર્ક જાળવી રાખતા, અને સ્વાસ્થ્યની જાણકારી મેળવતા. ઈશ્વરકૃપા અને તબીબોની ઉમદા સારવાર મળતા હું તા.૦૫મી મે અને પતિ પણ તા.૦૯ મેના રોજ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી હતી. મને મારા કરતાં પતિ અને દિકરીની ચિંતા વધુ સતાવતી હતી. સિવિલના ડોક્ટર્સ પર પૂર્ણ વિશ્વાસ હતો કે તેઓ મારા પતિને પણ વહેલી તકે કોરોના સામે જીત અપાવશે, અને હેમખેમ ઘરે પરત ફરશે. મારો ભરોસો સાચો ઠર્યો એમ તેઓ ખુશીની લાગણી વ્યક્ત કરતા કહે છે.

પુત્રી આર્યા પણ આઈસોલેશનમાં રહી સ્વસ્થ થઈ હતી. કુટ્ટન પરિવાર કપરા સમયે પણ મક્કમ મનોબળ અને હોંસલા સાથે કોરોનાને પરાસ્ત કરવામાં સફળ રહ્યો, અને આ પરિવારની ખોવાયેલી ખુશીઓ પાછી આવી હતી. આમ સુરતની સિવિલ હોસ્પિટલે બિન ગુજરાતી પરિવારને કોરોના સામે જીત હાંસલ કરાવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.