મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ચલ સંપત્તિઓમાં ગત પાંચ વર્ષોમાં અંદાજીત સાડા ચાર ગણો વધારો થયો છે. કેજરીવાલના ચૂંટણી ઢંઢેરા મુજબ 2015માં તેમની પાસે 2.26 લાખની ચલ સંપત્તિ હતી જે હવે 9.95 લાખ થઈ ગઈ છે. ત્યાં જ તેમની અચલ સંપત્તિઓમાં અંદાજીત બે ગણો વધારો થયો છે. 2015માં કેજરીવાલની કુલ અચલ સંપત્તિ 92 લાખની હતી, પરંતુ 2019માં આ આંકડો વધીને 1.77 કરોડ રૂપિયા થઈ ગયો છે. કેજરીવાલ સરકારમાં શામેલ મંત્રીઓની સંપત્તિઓમાં પણ વધારો થયો છે. એટલું જ નહીં, મુખ્યમંત્રી સહિતના મોટાભાગના મંત્રીઓના સામે ગુનાહીત કેસની સંખ્યા પણ વધી છે.

કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલની ચલ સંપત્તિઓ ગત 5 વર્ષમાં અંદાજીત 4 ગણી વધી છે. 2015માં તેમની પાસે 15.28 લાખની ચલ સંપત્તિ હતી જે હવે 57 લાખ થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે સુનીતા એ ભારતીય રાજસ્વ સેવાના સમય પૂર્વે નિવૃત્તિ લીધી હતી અને તેની સામે તેમને 32 લાખ રૂપિયા મળ્યા હતા. મુખ્યમંત્રી સામે અદાલતી કેસની સંખ્યા પાંચ વર્ષમાં બે ગણી થઈ ગઈ છે. 2015માં તેમની સામે સાત કેસ હતા જે 2020માં 13 થઈ ગયા છે.

હવે વાત કરીએ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની, તો તેમની ચલ સંપત્તિઓમાં ખાસ કાંઈ વધારો થયો નથી. 2015માં તેમની પાસે 12 લાખની અચલ સંપત્તિ હતી જે 2020માં 21 લાખ થઈ ગઈ છે. તેમની પત્ની સીમા સિસોદિયાએ 2015માં 20 લાખ રૂપિયાની કિંમતની અચલ સંપત્તિ જાહેર કરી હતી. નવા સોગંદનામા અનુસાર સીમા પાસે હવે 65 લાખ રૂપિયાની અચલ સંપત્તિઓ છે. સિસોદિયા સામે જોકે કોર્ટ કેસ ઓછા થયા છે. 2015માં તેમની સામે 6 કેસ હતા જે હવે ઘટીને 3 રહી ગયા છે.

દિલ્હી સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈન એક એવા મંત્રી છે જેમની સંપત્તિમાં ગત પાંચ વર્ષમાં વધારો નહીં પણ ઘટાડો થયો છે. મંત્રીએ 2015માં 62.3 લાખની કિંમતની ચલ સંપત્તિ જાહેર કરી હતી. 2020 થતાં હવે તેમની પાસે માત્ર 26.5 લાખની ચલ સંપત્તિ હોવાની જાહેર કરી છે. જૈનની અચલ સંપત્તિમાં ગત પાંચ વર્ષમાં કોઈ વધારો ઘટાડો થયો નહીં. જોકે જૈનની પત્ની પૂનમની સંપત્તિ આ દરમિયાન વધી છે. પંચ વર્ષ પહેલા પૂનમ જૈન પાસે 86.3 લાખ રૂપિયાની ચલ સંપત્તિ હતી જે વધીને 1.49 કરોડ થઈ ગઈ છે. 2015માં સત્યેંદ્ર જૈન સામે એક પણ કેસ ન હતો પરંતુ હાલ 2 કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે.

કેજરીવાલ સરકારમાં પરિવહન મંત્રી કૈલાશ ગહેલોતની સંપત્તિઓ ગત પાંચ વર્ષમાં સૌથી વધુ વધી છે. ગહેલોતએ 2015માં 61.3 લાખ રૂપિયાની ચલ સંપત્તિ જાહેર કરી હતી જે 2020માં તેમની પાસે 8.09 કરોડની ચલ સંપત્તિ એટલે કે 2015 કરતાં અંદાજીત 15 ગણી વધુ થઈ ગઈ છે. ગહેલોત અચલ સંપત્તિમાં વધારો થયો છે. 2015માં 17.38 કરોડથી વધીને 2020માં તેમની પાસે 25 કરોડની અચલ સંપત્તિ થઈ ગઈ છે. ગહેલોતની સામે 2015માં એક પણ કાયદાકીય કેસ ન હતા અને 2020માં પણ તેમાં કોઈ બદલાવ થયો નથી.