ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ફન્ડામેન્ટલી જોવા જઈએ તો કાઇ બદલાયું નથી. સોયાબીન કોમ્પ્લેક્સમાં હજુ પણ માંગ પુરવઠાની વાર્તા જ ગવાઈ રહી છે. ૨૦૨૦-૨૧નો અમેરિકન સોયાબીન પાક હવે તળિયે ગયો છે, તેથી હાજર બજારમાં સોયાબીન સપ્લાય એ મુખ્યમુદ્દો બની ગયો છે. આથી ટ્રેડરો માનવા લાગ્યા છે કે પાકતા/રોકડા મે વાયદામાં ૩૦ એપ્રિલથી શરૂ થતાં નોટિસ પિરિયડ (ડિલિવરી આપવા માટેની જાણ કરવી)માં ઊભા વેચાણ સામે ડિલિવરી ઉતારવી સંભવિત નથી અથવા મુશ્કેલ છે. પરિણામે રોકડો અને ત્યાર પછીના વાયદામાં ભાવ ઊંચકાઈ રહ્યા છે.

સોયાબીન, મકાઇ અને ઘઉ વાયદા માટે ગત સપ્તાહ, વ્યાપક અફડાતફડીવાળું હતું અને આ તમામ કોમોડિટીના ભાવ નવી ઊંચાઈએ ગયા હતા. તમારે હવે આ સપ્તાહે પણ આ કોમોડિટી માટે તમારો સીટ બેલ્ટ ટાઈટ કરી લેવાનો રહે છે. ચીન આ તમામ કોમોડિટીમાં ભૂખાળવાની જેમ લેવાલ છે. દક્ષિણ અમેરિકન દેશનું હવામાન સખળદખળ થઈ ગયું છે. તેથી અમેરિકન ખેડૂતો માટે વર્તમાન બજાર ચાંદી જ ચાંદી થઈ ગઈ છે.


 

 

 

 

 

યુનાઈટેડ સોયાબીન બોર્ડ અને યુએસ સોયાબીન એક્સપોર્ટ કાઉન્સિલ કહે છે કે અમેરિકા ૨૦૨૧માં ચીન ખાતે વધુ એક વર્ષ, વિક્રમ ૩૬૦ લાખ ટન સોયાબીન નિકાસ કરે તેવું આનુમાન છે. અલબત્ત, ભાવ વધારા માટેનું ખરું કારણ લેટિન અમેરિકન દેશોમાં ઓછા ઉત્પાદન સાથે મજબૂતની આશંકા છે. તીવ્ર પુરવઠા ખેંચ અને ખૂબ બધી માંગ સોયાબીનના ભાવને ૨૦૧૩/૧૪ની ઊંચાઈએ લઈ ગયા છે.    

શુક્રવારે શિકાગો મે ડિલિવરી વાયદો પ્રતિ બુશેલ (૨૭.૨૧૮ કિલો) ૧૫.૪૦ ડોલરની ઊંચાઈએ બંધ થયો. જો ૨૦૨૦ના એપ્રિલના સરેરાશ ભાવની ગણતરી કરી એ તો તે ૮.૩૫ ડોલર હતા. ગત સપ્તાહે સોયાબીન વાયદો ૭.૪ ટકા વધ્યો, બે જ અઠવાડિયામાં ૧.૩૭ ડોલરનો ઉછાળો આવ્યો હતો. આવી સાપ્તાહિક ઘટના ૧૩ જુલાઇ ૨૦૧૨ના અઠવાડિયામાં ૧૦.૨ ટકા ઉછાળા પછીની આ બીજી છે. ગત સપ્તાહમાં સોયાખોળ (પાઉડર) પાંચ ટકા, સોયા ઓઇલ ૧૧.૩૩ ટકા ઉછળ્યાં હતા.  

અમેરિકન વાયદા પંચે પણ કહ્યું હતું કે સોયા કોમ્પ્લેક્સના ફ્યુચર્સ એન્ડ ઓપ્શન બજારની તેજી ભડકાવવામાં મની-મેનેજરો અને સ્પેસ ફંડની ભૂમિક પણ મોટી હતી. અમેરિકન કૃષિ મંત્રાલયે કહ્યું હતું કે અમેરિકન ખેડૂતોએ સોયાબીન વાવેતર માટે ગતવર્ષ કરતાં પાંચ ટકા વધુ ૮૭૬ લાખ એકર વધુ જમીન ફાળવી છે. જો કે અમેરિકન લોવા સ્ટેટ યુનિવર્સિટીના કૃષિવિદ કહે છે કે લાંબાગાળાનો ટ્રેન્ડ અને વર્તમાન હવામાન સંયોગ જોતાં કહી શકાય કે વિશ્વના સૌથી મોટા સોયાબીન ઉત્પાદક તરીકેનું સ્થાન બ્રાજીલ લઈ લેશે. ૨૭ એપ્રિલે અમેરિકન કૃષિ મંત્રાલય હવામાન અને પાક વિષે સાપ્તાહિક બુલેટિન રજૂ કરશે.


 

 

 

 

 

આર્જેન્ટિના જગતના ગ્રેન પાવરહાઉસ તરીકેનો ત્રીજા નંબરનો મકાઇ ઉત્પાદક અને સોયાખોળનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. તેણે સોયાબીન નિકાસ પર ૩૩ ટકા, સોયાખોળ અને સોયાતેલ પર પર ૩૧ ટકા નિકાસ જકાત નાખી દીધી છે અને વધુ નાખવાની વિચારણા કરે છે. બ્રાજીલ જે વિશ્વનો સૌથી મોટો સોયાબીન ઉત્પાદક છે અને ચીનને મોટાપાયે નિકાસ કરે છે, ત્યાં પણ સ્થિતિ કઈ સારી નથી. અહી ૨૦૨૦-૨૧નો સોયાપાક ૧૩૬૦ લાખ ટન અંદાજવામાં આવ્યો છે. બીજા નંબરના મોટા ઉત્પાદક અમેરિકામાં ૧૧૩૦ લાખ ટન સોયાબીન ઉત્પાદન અંદાજ મુકાય છે.  

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)