પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): બે દિવસ પહેલા મહેસુલ મંત્રી કૌશીક પટેલના ભાઈ ગૌતમ પટેલે અમદાવાદના શીલજના બંગલામાં આત્મહત્યા કરી લીધી, મૃત્યુ કોઈનું પણ થાય તે સદૈવ પીડાદાયક જ હોય છે, પણ જ્યારે તે આકસ્મીક મૃત્યુ હોય છે, ત્યારે મન વિહવળ કરી મુકી છે. દરેક માણસના જીવનમાં આવી કોઈને કોઈ ઘટનાનો સામનો કરવાનો જ હોય છે, પણ જયારે કોઈ ગરીબ અથવા મધ્યમવર્ગમાં આવી ઘટના ઘટે છે ત્યારે તે પોતાનું સ્વજન ગુમાવવાનો ભાર નસીબના માથે નાખી કદાચ હળવો થઈ જાય છે પણ જ્યારે કોઈ શ્રીમંતના પરિવારમાં આવી ઘટના ઘટે છે ત્યારે તેમાં પીડા સાથે લાચારી પણ ઉમેરાય છે કારણ શ્રીમંત આવી ઘટનાને નસીબ સ્વીકારવા તૈયાર હોતો નથી.

શાહપુરની એક પોળમાંથી સાવ સામાન્ય જીંદગી શરૂ કરનાર મંત્રી કૌશીક પટેલ આજીવન સરળ વ્યકિત રહ્યા છે, પોતાની જ પાર્ટીમાં નહીં પણ વિરોધી મત ધરાવતા લોકો પણ માણસ તરીકે કૌશીક પટેલને એક માર્ક વધારે આપે તેવું જીવન અને કામ રહ્યું છે. ભાજપના એકદમ પાયાના કાર્યકરથી કામ શરૂ કરી કોર્પોરેટર થયા અને ધારાસભામાં ચૂંટાઈ મંત્રી પણ થયા, પણ મંત્રીપદનો ભાર તેમના જીવન અને વ્યવહાર ઉપર હાવી થવા દીધો નથી, કૌશીક પટેલ પોતે પણ થોડા મહિના પહેલા એક લાંબી બીમારીમાંથી બહાર આવ્યા છે ત્યારે તેમના ભાઈ ગૌતમની આવી વિદાયી પીડાની કલ્પના કરવી જ  મુશ્કેલ છે.
 
ગૌતમ પટેલ પાસે સારી જીદંગી, સારો બંગલો, સારો ધંધો બધુ જ હતું. છતાં તેમણે પોતાની જીંદગી સામે કેમ હથિયાર હેઠા મુકી દિધા તેની ખબર નથી, પોલીસ પણ આ મામલે ઝાજી ખણખોદ કરશે નહીં કારણ મંત્રીનો ભાઈ છે. ખેર લોકોને કદાચ આ અંતિમ પગલુ કેમ ભર્યું તેનું કારણ જાણવા મળશે નહીં. ખરેખર આ ઘટના લોકો માટે એક  હાઈ પ્રોફાઈલ ઘટનાથી વિશેષ કંઈ નથી, પરંતુ ગૌતમભાઈના પરિવાર અને કૌશીક પટેલ માટે તો આ આખી જીંદગીનનો વસવસો રહી જશે કે પોતાની પાસે પૈસા-સત્તા અને વગ બધુ જ હોવા છતા તે પોતાના ભાઈને જતો રોકી શકયા નહીં. ધારાસભ્ય અને મંત્રી તરીકે કૌશીક પટેલ રોજ સેંકડોની સંખ્યામાં લોકો મળવા આવે છે પણ તેમનો સગોભાઈ પોતાની સમસ્યા લઈ કયારેય આવ્યો જ નહીં. 
 
આવી અંંતિમ પગલુ ભરતા પહેલા ગૌતમભાઈએ એક વખત કૌશીકભાઈને પોતાની સમસ્યા કહી હોત તો કદાચ ગૌતમભાઈ આજે પણ હોત, લોકોની જીદંંગીમાં સારૂ થાય  તેવો પ્રયાસ કરતો મંત્રી જ્યારે પોતાના ભાઈને બચાવી શકયો નહીં તો તેની લાચારી કેવી હશે.ગૌતમભાઈને નજીકને ઓળખનારા મિત્રો કહે છે, ગૌતમ એકદમ મોજીલો અને મસ્ત માણસ જીંદગીની પીડાઓને ક્યારે પોતાના ચહેરા ઉપર હાવી થવા દે નહીં, અમદાવાદના કર્ણાવતી કલબમાં પત્ની સાથે રોજની અવરજવર નવા મિત્રો બનાવવાનો શોખ, ગત  ડિસેમ્બરમાં દિકરાના લગ્ન ધુમધામથી કર્યા, કલબમાં તેમને માત્ર હેલ્લો કહેવાના સંબંધ હતા તેમને પણ હોશે આમંત્રણ આપી તેમની પણ સરભરા કરી હતી.ગૌતમભાઈ જીંદગીને જીવવા માગતા હતા પણ અચાનક શું બન્યું કે તેમણે પોતે જ  જીંંદગીને અલવીદા કહેવાનો નિર્ણય કર્યો તેની ક્યારેય લગભગ ખબર પડશે નહીંં, પણ જેમની પાસે બધુ જ હોય છે ત્યારે પોતાના નહીં હોવાનો ગમ વધુ હોય છે. સામાન્ય માણસ તો પોતાના ગુમાવ્યા પછી પોતે જીવવાની કશ્મકશમાં વ્યસ્ત થઈ જાય છે પણ શ્રીમંતો તેવું પણ કરી શકતા નથી.