મેરાન્યૂઝ નેટવર્ક, શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ સાથે આજે આર્મીના જવાનોના ઘર્ષણ દરમિયાન સ્થાનિકોએ આર્મીના જવાનો પર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન સંઘર્ષમાં આઠ સ્થાનિક લોકોના મોત થયા હતા અને ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ કાર્યવાહી દરમિયાન ભારતીય આર્મીનો એક જવાન શહીદ થયો છે. આ એન્કાઉન્ટરમાં હિઝબુલ મુઝાહિદીનના કમાન્ડ જહૂર ઠોકરનું પણ મોત થયું છે. રાષ્ટ્રીય રાઇફલ્સના જવાબ ઔંરંગઝેબની હત્યામાં જહૂરનું નામ સામે આવ્યું હતું.

આજે શનિવારે સવારે ભારતીય સુરક્ષા જવાનોને પુલવામાના સિરનૂ ગામમાં બે થી ત્રણ આતંકવાદીઓ છૂપાયાની બાતમી મળી હતી. જેથી આર્મી, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઑપરેશન શરુ કરાયુ હતું. જેમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા હતા. આ દરમિયાન સ્થાનિક લોકોના ટોળાએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો. જેની જવાબી કાર્યવાહીમાં આઠ સ્થાનિકોના મોત થયા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે તેમજ જમ્મુના બનિહાલ ટાઉનથી કાશ્મીર ખીણ વચ્ચેની રેલવે સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2018 દરમિયાન આતંકવાદીઓ વિરૂદ્ધ સુરક્ષાદળોના અભિયાન વધ્યા છે. આ વર્ષે લગભગ 250થી વધુ આતંકીઓ ઠાર મરાયા છે જેમાંથી 132 આતંકીઓ સ્થાનિક હતા. સૌથી વધુ 80 આતંકવાદીઓ લશ્કર-એ-તોયબાના મરાયા છે.