મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: વજુભાઈ વાળા સંઘ અને જનસંઘના જુના કાર્યકર રહ્યા છે. જ્યારે ગુજરાતમાં સંઘની કોઈ છીંકણી પણ સુંઘતુ ન્હોતુ ત્યારે વાળાએ સૌરાષ્ટ્રમાં ભાજપને બેઠો કરવામાં પોતાનું ઘણુ યોગદાન આપ્યુ છે. અત્યંત હાજર જવાબી રાજનેતા વજુભાઈ વાળા ગંભીર ઘટનાને હાસ્યમાં ફેરવી નાખવાની ક્ષમતા ધરાવે છે. વજુભાઈ વાળા પોલિટિક્સમાં પણ માસ્ટર સ્ટ્રોક મારી શકે છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી થયા ત્યારે તેમની બાજુમાં વિધાનસભમાં બેસતા વજુભાઈ વાળાની તાકાત અને શક્તિનો નરેન્દ્ર મોદીને અંદાજ આવી ગયો હતો.

નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં વજુભાઈ વાળા જ મુખ્યમંત્રીના દાવેદાર હતા અને ક્ષમતા પણ ધરાવતા હતા પણ વજુભાઈ વાળા મુખ્યમંત્રી બને તો મોદીના નિયંત્રણમાં પણ રહે નહીં તે પણ એટલુ જ સત્ય હતુ. જેના કારણે પહેલા તેમને ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ પદ આપ્યુ અને ત્યાંથી રાજ્યપાલ બનાવી કર્ણાટક રવાના કરી દીધા હતા. આજે વજુભાઈ વાળાના હાથમાં રમતની કુંકરી છે, તે ધારે તેની સરકાર બનાવી શકે તેવી સ્થિતિમાં છે. વાળાની રાજકિય કુનેહ અને રમત રમવાની સુઝ હાલના રાજકારણીઓ કરતા જુદા પ્રકારની છે.

થોડા વર્ષો પહેલા રાજકોટ બાલભવનમાં રમત ઉત્સવના ઉદ્ધાટનમાં વજુભાઈ વાળાને આમંત્રણ મળ્યુ હતું. તેમણે રમતોઉત્સવનું ઉદ્ધાટન જરા જુદી રીતે જ કર્યુ હતું, તેમણે પોતાના બાળપણના દિવસો યાદ કરી ગિલ્લી દંડાની રમત રમી સમારંભને ખુલ્લો મુક્યો હતો. એક વાંચક દ્વારા મોકલવામાં આવેલી તસવીર ભલે જુની હોય પણ તે આજના પરિપ્રેક્ષ્યમાં ઘણુ કહી જોતી હોય તેવી લાગે છે.