મેરાન્યૂઝ નેટવર્ક.કર્ણાટક: ભારતમાં રાજકીય ઉથલ પાથલ થઈ કઈ નવી વાત નથી. થોડા સમય પહેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું હતું. હવે કર્ણાટકમાં એવી વાતો ચાલી રહી છે કે કર્ણાટકના મુખ્યમંત્રી  યેદીયુરપ્પા રાજીનામું આપશે. જો કે કર્ણાટકના મુખ્યમંત્રી બી. એસ. યેદીયુરપ્પાએ આ વાતને અફવા કહીને વાત ટાળી દીધી હતી.

કર્ણાટકના મુખ્યમંત્રી અત્યારે દિલ્લીના પ્રવાસે છે ત્યારે તેમણે શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી અને આજે સવારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે. પી. નડ્ડાની મુલાકાત કરી હતી અને આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને પણ મળશે. ત્યારે એવી અફવા ફેલાઈ રહી છે કે કર્ણાટકના મુખ્યમંત્રી પોતાના પદ પરથી રાજીનામું આપવા ઈચ્છી રહ્યાં છે.

Advertisement


 

 

 

 

 

આ બેઠક બાદ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ વિનંતી કરી હતી કે અપર ભદ્ર પ્રોજેક્ટને રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કરવામાં આવે અને બેંગલુરુ પેરિફેરલ રિંગ રોડ પ્રોજેક્ટ માટે ૬૦૦૦ કરોડ રૂપિયાની નાણાકીય સહાય ની માંગ પણ કરવામાં આવી હતી. મેકેડાટુ પ્રોજેક્ટ અને યુએસ કોન્સ્યુલેટની સ્થાપના અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી." આ બેઠક ૧૦ મિનિટથી વધુ ચાલી હતી.

કર્ણાટકના મુખ્યમંત્રી બી. એસ. યેદીયુરપ્પાએ પ્રધાનમંત્રી સાથેની મુલાકાત બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, " પ્રધાનમંત્રી સાથેની આ મુલાકાત માત્ર કર્ણાટકના અને કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના વિકાસ અંગે ચર્ચા કરવા માટે કરવામાં આવી હતી. કર્ણાટકમાં હું મારા પદ પરથી રાજીનામું આપવાનો નથી."