મેરાન્યૂઝ નેટવર્ક,જયપુર: એક તરફ ‘પદ્માવત’નો વિવાદ ચાલુ છે અને કરણી સેનાએ ‘પદ્માવત’ની રીલિઝ રોકી દીધી છે. ત્યારે ગુજરાતમાં લગભગ કોઈ શહેરમાં ‘પદ્માવત’ રીલિઝ થઇ નથી. તેવા સમયે હવે સંજય લીલા ભણસાલીની માતા પર આધારિત ફિલ્મ બનાવી રજૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.  

હજી તો ‘પદ્માવત’નો વિવાદ શમ્યો નથી અને કરણી સેના દ્વારા કરવામાં આવેલા હિંસક વિરોધને પગલે ગુજરાતનાં થીએટરો એક તરફ ફિલ્મ નહિ રીલિઝ નહિ કરવા માટે કરણી સેનાને બાંહેધરી આપી ચૂક્યાં છે અને બીજી તરફ પ્રજા દ્વારા આ ફિલ્મ બતાવવા માટેની માંગણીઓ ઉઠી રહી છે. તો અન્ય રાજ્યોમાં ‘પદ્માવત’માં રાજપૂત સેનાની લાગણીઓ દુભાય એવું કઈ નથી જેવા મંતવ્યો આવી રહ્યા છે તેવા સમયે કરણી સેના દ્વારા એક નવી જાહેરાત કરવામાં આવી છે.

હાલમાં જ કરણી સેનાએ સંજય લીલા ભણસાલીની માતા પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી વિવાદનો એક નવો જ મધપુડો છંછેડ્યો છે. કરણી સેનાએ તેની આ ઘોષણામાં ફિલ્મનું નામ ‘લીલા કી લીલા’ રાખવાનું નક્કી કર્યું છે. અને આ ફિલ્મ આ જ વર્ષે રજૂ કરવાની પણ જાહેરાત કરી છે.

રાજસ્થાનના ચિત્તોડગઢમાં એક સંમેલનમાં સંબોધન કરતા કરણી સેનાએ તેના જીલ્લા અધ્યક્ષ ગોવિંદસિંહ ખાંગરોટને જણાવ્યું હતું કે, ‘ આ ફિલ્મનું નિર્દેશન અરવિંદ વ્યાસ કરશે અને તેની પટકથા લેખન પર કામ પણ શરુ થઇ ચૂક્યું છે. આવતા ૧૫ દિવસમાં ફિલ્મનું મુહુર્ત થશે અને આ ફિલ્મ આ જ વર્ષે રજૂ કરવાનું આયોજન છે.

કરણી સેનાનાં નેતાના કહેવા મુજબ ફિલ્મની શૂટિંગ રાજસ્થાનમાં કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, ‘ભણસાલીએ અમારી માતા પદ્માવતીનું અપમાન કર્યું છે પરંતુ અમે એ ધ્યાન રાખીશું કે તેમને અમારા આ પ્રયાસ પર ગૌરવ થાય. દેશમાં દરેક પાસે અભિવ્યક્તિની આઝાદી છે એટલે તેમને પણ આ અધિકાર મળવો જોઈએ.