મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ ભાજપ દ્વારા લોકશાહીનો ભાવ લગાવાયો તે બાબતે ઘણા લોકોને દુઃખી કરી મુક્યા છે. આ આક્ષેપોએ લોકોના મનમાં ધ્રુણા ઊભી કરી છે. આજ સવારથી જ કરજણમાં ભાજપના કાર્યકર દ્વારા 100 રૂપિયા આપી ભાજપને મત આપવાની માગ કરાઈ રહી હોવાનો એક કથિત વીડિયો વાયરલ થયો જે સંદર્ભમાં કરજણ વિધાનસભા બેઠકના ઉમેદવાર કિરિટસિંહ જાડેજા વીડિયોમાં રૂપિયાની વહેંચણી કરનારા ધ્રુવેશ પટેલ સામે આચાર સંહિત્તા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.

આજે મંગળવારે ગુજરાતની 8 બેઠકો પર ફરી ચૂંટણીની પ્રક્રિયાને પગલે મતદાન થયું હતું. નેતાઓના પક્ષપલ્ટાને પગલે ફરી ખર્ચથી માંડી બધા જ કામોનું ભારણ આવી પડતાં લોકો તો પરેશાન થયા જ હતા જોકે આવા સંજોગોમાં એક દિવસ પહેલા સોમા પટેલનો એક વીડિયો કોંગ્રેસે જાહેર કર્યો હતો જેમાં ધારાસભ્યોની ખરીદી અંગેની વાત હતી. જોકે સોમા પટેલે આ આક્ષેપો ફગાવી દીધા હતા અને વીડિયો બનાવટી હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ આજે જ્યારે એક વધુ વીડિયો સામે આવ્યો કે જેમાં કરજણ બેઠકના ઈંટોલા ખાતે એક શખ્સ લોકોને રૂપિયા 100 આપી તેમના મત ભાજપમાં આપવાની વાત કરતો હતો.

રૂપિયા 100માં લોકોના મત ખરીદવા નિકળેલા આ વ્યક્તિના વીડિયોને જોઈ લોકો ચોંકી ગયા હતા અને આ શખ્સ સામે ફિટકાર વરસાવ્યો હતો. વિધાનસભા બેઠકના ઉમેદવાર કિરિટસિંહ જાડેજાએ ચૂંટણી અધિકારીને પત્ર લખીને મતદારોને ખરીદવા અને મત આપવા માટે પ્રલોભન આપતા પોરના ભાજપી કાર્યકર ધ્રુવેશ પટેલ સામે આદર્શ આચાર સંહિત્તા ભંગની કાર્યવાહી કરવાની માગ કરી હતી. જોકે આ વીડિયો ઉપરાંત કિરિટસિંહે શિનોર સાધલી બુથ 198 પર બેસેલા કોંગ્રેસના પોલીંગ એજન્સ અલ્તાફ રંગરેજને જિલ્લા પોલીસ એસપી દ્વારા મતદાન મથકમાંથી જબરજસ્તી ઉઠાવી દેવાયો હોવાનો અને તેને ધમકી આપ્યાનો આક્ષેપ કરતાં ચૂંટણી અધિકારીને ન્યાય કરવા માગ કરી હતી. તેમણે કહ્યું કે, પોલીસ સ્ટેશનના સીસીટીવી મેળવી પોલીસ અધિકારીઓ સામે કર્યાવાહી કરવી જોઈએ.