મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ ગુજરાતમાં હાલ પેટા ચૂંટણીને લઈને મતદારોને ખેંચવા રાજકીય પક્ષો ધમપછાડા કરી રહ્યા છે. રાજકીય પક્ષો લોકોના મત રૂપિયા, દારુ, કપડા વગેરે આપી ખરીદતા હોવાની અગાઉ પણ ઘટનાઓ બની ચુકી છે જોકે તેના દાવાઓ અત્યાર સુધી કેટલા સાચા ઠર્યા, કેટલા નેતાઓ ચૂંટણી માટે ગેર લાયક ઠર્યા, કેટલા પક્ષો સામે કાર્યવાહી થઈ તેવા તમારા મનમાં થતાં પ્રશ્નોનો કદાચ ઉત્તર નથી. મતદારોને ભર બજારે ખરીદવાની ટેવ ધરાવતા રાજકીય પક્ષોમાં હમણા ઘણા સમયથી કાળા કામો કરવામાં પણ વટ દેખાતો હોય તેમ અને કાયદાનો કોઈ જ ભય ન હોય તેમ જાહેરમાં કરીને બતાડવાની વૃત્તિઓ જોવા મળી છે. હાલમાં જ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે કોરોના ગાઈડલાઈન્સને અવગણીને પોતાના વટ પર ગુજરાતમાં ઠેરઠેર રેલીઓ અને ટોળા ભેગા કર્યા અને તેમાં ય તંત્ર તેમનું કાંઈ કરી શક્યું નહીં.

હાલમાં ગુજરાતની આઠ બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન આજ સવારેથી થઈ રહ્યું છે. ગઢડા, કરજણ, અબડાસા, મોરબી, લીંબડી, ડાંગ, ધારી અને કપરાડા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે ત્યારે. કરજણથી એક વીડિયો વાયરલ થયાના અહેવાલો મળી રહ્યા છે. આ વીડિયો કોંગ્રેસે વાયરલ કરી દેતા રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પંચ દ્વારા થતી કામગીરીની પણ આ વીડિયોએ પોલ ખોલી નાખી છે. બીજી બાજુ ભાજપ પર આક્ષેપો પ્રતિઆક્ષેપો શરૂ થયા છે. 

કોંગ્રેસે કરજણના પોર-ઈટોલા વિસ્તારનો વીડિયો જાહેર કર્યો છે. જેમાં ભાજપના કાર્યકરો નાણાં વેચતા હોવાનું દેખાય છે. જોકે વીડિયોની પૃષ્ટી થઈ શકી નથી, પણ કોંગ્રેસે આ વીડિયો સાથે કેટલાક ગંભીર આક્ષેપો કર્યા છે. લોકોને રૂપિયા 100ની નોટો આપી રહ્યા હોવાનું દેખાય છે અને પોતાનો મત ભાજપને આપવાનું કહેતા પણ સંભળાય છે. વીડિયોને લઈને કરજણના જનરલ ઓબ્ઝર્વરે તપાસના આદેશ આપ્યા છે. તપાસની પ્રામાણીક્તા આ ઘટનાની સાતત્યતાને લોકો સમક્ષ સ્પષ્ટ કરે તેવી લોકોની માગ ઉઠી છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરીએ કહ્યું કે, આ વીડિયો ઘણી બાબતો પર પ્રશ્નો ઊભા કરનારો છે. ચૂંટણી પંચ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરે.તેવી માંગ અમેં કરી રહ્યા છે.