મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ભારતીય સેનાના જવાનો દ્વારા દેશની સરહદની રક્ષા કરવા માટે સરહદ પર રાત દિવસ જોયા વગર , ચોમાસુંની ઋતું હોય કે શિયાળો હોય પછી ઉનાળો હોય તેઓ દેશની સેવા કરતા હોય છે. જેથી ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ગુજરાત ના NCC કેડેટ્સ દ્વારા “કારગીલ કે વીરો કો ગુજરાત કા આભાર” -  “એક મેં સૌ કે લિએ”ના પાંચમા તબક્કાના અભિયાન અંતર્ગત દેશભક્તિની વિવિધ થીમ ઉપર તૈયાર કરાયેલા ૨૯ હજારથી વધુ કાર્ડ્સને દેશના સીમાડા પર માં ભોમની રક્ષા કરતા અને ભારત દેશની સરહદ સાચવતા સેનાના જવાનો માટે કારગીલ સરહદ (લદાખ) ઉપર મોકલવા મુખ્યમંત્રી નિવાસસ્થાને ગાંધીનગરથી ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ ફ્લેગ ઓફ કાર્યક્રમમાં ગુજરાત સહિત દાદરા નગર હવેલી, દમણ અને દીવના NCC કેડેટ્સ દ્વારા દેશભક્તિની થીમ ઉપર તૈયાર કરાયેલા કાર્ડ્સ પ્રદર્શનને મુખ્યમંત્રીએ રસપૂર્વક નિહાળીને કેડેટ્સને પ્રોત્સાહિત કર્યા હતા.

Advertisement


 

 

 

 

 

ઉલ્લેખનીય છે કે, NCC કેડેટ્સ દ્વારા કારગીલના જવાનોને ગુજરાતનો આભાર અંતર્ગત તૈયાર કરાયેલા આ ૨૯ હજારથી વધુ શુભેચ્છા  કાર્ડ્સ અમદાવાદથી નોર્ધન કમાન્ડ હેડ ક્વાર્ટસ, ઉધમપુર ખાતે મોકલવામાં આવશે અને ત્યાંથી કારગીલ સરહદ ઉપર ફરજ બજાવતાં ભારતીય સેનાના જવાનોને આ કાર્ડ્સ પહોંચાડીને બિરદાવવામાં આવશે. મુખ્યમંત્રીએ આ કાર્ડ લઇ જતા વાહનને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ કાર્યક્રમ મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે યોજાયો હતો. જેમાં અમદાવાદના સાંસદસભ્ય ડો. કિરીટ સોલંકી, પૂર્વમંત્રી રમણ વોરા, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ. જે. હૈદર , NCC ડાયરેક્ટોરેટ ગુજરાતના એડનિશલ ડાયરેક્ટર જનરલ, મેજર જનરલ અરવિંદ કપૂર, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ બ્રીગેડીયર હર્ષવર્ધન સિંઘ, ડાયરેક્ટર ગૃપ કેપ્ટન સંજય વૈષ્ણવી સહિત NCCના ઉચ્ચ અધિકારીઓ, કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.

(અહેવાલ સહાભાર: હેમિલ પરમાર, જયંત દાફ્ડા, ગાંધીનગર)