મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ કોરોના વાસ્તવિક સ્થિતિ જે દેખાય છે તેના કરતાં તે વધુ વિકરાળ બની રહ્યો છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવની સંખ્યા દિવસેને દિવસે કુદકે-ભૂસ્કે વધી રહી છે. અમદાવાદ ગાંધીનગર વચ્ચે આવેલી ગુજરાત પોલીસની કરાઈ પોલીસ એકેડેમીમાં કેટલાક અંડર ટ્રેનિંગ પોલીસ ઓફિસર્સમાં કોરોનાના લક્ષણ દેખાતા આજે વ્યાપક પ્રમાણમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 38 અંડર ટ્રેનિંગ જવાનો અને અધિકારીઓ કોરોના પોઝિટિવ હોવાનું સ્પષ્ટ થયું છે.

અંડર ટ્રેનિંગ પોલીસ ઓફિસર્સનો મેસનો સ્ટાફ બહારથી આવતો હોવાના કારણે એક સંભાવના એવી છે કે મેસ સ્ટાફના કારણે સંક્રમણ ફેલાયું હોય, બીજી શક્યતા એવી છે કે અંડર ટ્રેનિંગ ઓફિસર્સ રજા ઉપર જાય અને ત્યાંથી પરત ફરે ત્યારે તે સંક્રમિત થયા હોવાની સંભાવના છે. બે દિવસ પહેલા ગાંધીનગરના 14 પોલીસ અધિકારીઓ અને જવાનો સંક્રમિત થવાની ઘટના પછી આ બીજી મોટી ઘટના છે જેમાં પોલીસ જવાનો આટલી મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત થયા હોય. અહીં કુલ 52 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 38 અંડર ટ્રેનિંગ પોલીસ ઓફિસર્સ અને જવાનો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું.