મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ મોરબીના પીપળીયા ગામ ખાતેના કાંતિલાલ મુછડિયાએ જ્યારથી જીવતા સમાધી લેવાની જાહેરાત કરી ત્યારથી તંત્ર અને પોલીસ સતત તેમાં હેરાન થઈ રહી છે. પોલીસ કાંતિલાલના નિવેદનો સહિતની પ્રક્રિયા પર નજર રાખી રહી છે. કલેક્ટર કેતન જોશી અને એસપી ડો. કરનરાજ વાઘેલાના નેજા હેઠળ ટીમ પણ બનાવાઈ છે. જેમાં ડીવાયએસપી, મામલતદાર, નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓને સમાવવામાં આવ્યા છે.

રચાયેલી આ ટીમે ગઈકાલે કાંતિલાલના ઘરે પહોંચી સમજાવટ કરી હતી. દરમિયાન ડીવાયએસપી મુનાફખાન પઠાણના જણાવ્યા અનુસાર, કાંતિલાલ કોઈ ખોટું પગલું નહીં ભરે અને તેણે ખાડો ખોદીને સમાધી લેવાની વાત કરી નથી. તેમણે કહ્યું કેસ તે માત્ર સમાધીના સ્થળ પર જઈને ધ્યાનમાં બેસી જશે અને પ્રાણ છૂટી જશે તો ગુરુની વાત સાચી થશે નહીં તો હું ખોટો પડીશ તેવું કહે છે. જોકે કાંતિલાલે એવું પણ કહ્યું હતું કે તે કોઈ ગેરકાયદે પગલું ભરશે નહીં, જિલ્લા એસપીએ પણ કાંતિલાલને સમજાવ્યા અને તેઓ કાયદાને માન આપશે તેમજ ખુલ્લામાં માત્ર પડદો નાખીને ધ્યાનમાં બેસી જશે. આ દરમિયાન તેમનો દેહ ત્યાગ થશે. ઉલ્લેખનીય છે કે કાંતિલાલના આ દાવાને કારણે છેલ્લા ઘણા સમયથી તંત્ર દોડતું રહ્યું છે. કાંતિલાલની આ જાહેરાતે ભારે ચકચાર મચાવી મુકી છે.