પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): સામાન્ય રીતે આપણે ત્યાં પોતાના ક્ષેત્રમાં ઉત્તમ કામ કરનારની  કદર બહુ મોડી  થતી હોય છે, જીવનના  ઉત્તરાર્થે પહોંચ્યા પછી સરકાર અને વિવિધ સંસ્થાઓ વિવિધ એવોર્ડ આપી તેમનું  સન્માન કરતી હોય છે, ઘણા કિસ્સા તો એવો પણ જોવા મળે છે કે જેમને સન્માનીત કરવામાં આવે છે તેઓ પોતાના પગ ઉપર ચાલી મંચ સુધી સન્માન લેવા પણ જઈ શકતા નથી. મંચ સુધી જવા માટે તેમને કોઈની મદદની જરૂર પડતી હોય છે. આ સ્થિતિ સારી નથી, જેઓ ઉત્તમ કામ કરે છે તેઓ એક દિવસ અથવા કેટલાંક વર્ષો સારૂ કામ કરે છે તેવું નથી. તેઓ નિરતંર સારૂ કરતા આવ્યા છે, મને લાગે છે કે જ્યારે પણ કોઈ વ્યકિત જીવનની શરૂઆતમાં ઉત્તમતા તરફ પગ ઉપાડે ત્યારથી જ તેની કદર થવી જોઈએ. જો તેવું થાય તો જેનું આપણે સન્માન કરીએ છીએ તે વ્યકિત પણ પોતાના સન્માનનો આનંદ અનુભવી શકે અને જો યોગ્ય સમયે સન્માન થાય તો તેની આગળની મઝલ પણ તે વધુ ઉત્તમ કામ કરવા માટે પ્રોત્સાહીત થાય છે.

અમદાવાદમાં યુનિવર્સિટી ખાતે ચાલી રહેલા ગુજરાત લિટરેચર ફેસ્ટીવલમાં સામાન્ય કરતા કંઈક જુદુ થયું હતું. તેજાબી પત્રકાર તરીકે વર્ષો સુધી કામ કરનાર સ્વ. કાંતી ભટ્ટના નામે પત્રકારો માટે પારિતોષીકનું આયોજન કરવામાં આવ્યું હતું. કાંતી ભટ્ટ પારિતોષીકની સંપુર્ણ જવાબદારી શીલા ભટ્ટ અને આશુ પટેલે ઉપાડી હતી. તેમના આ કામના સહયોગી ઉર્વીશ કોઠારી પણ રહ્યા હતા. એક ખાસ સમારંભમાં શીલા ભટ્ટ, આશુ પટેલની સાથે જાણિતા પત્રકાર-તંત્રી ભરત ઘેલાણી, કુંદન વ્યાસ અને રાજ ગોસ્વામી હાજર રહ્યા હતા. તેમના દ્વારા ગુજરાતી પત્રકારત્વમાં ઉત્તમ કામ કરનાર અભિયાનના પત્રકાર નરેશ મકવાણા અને નવજીવન તથા મેરાન્યૂઝના પત્રકાર કિરણ કાપુરેને એવોર્ડ અને રોકડ પુરસ્કાર આપી સન્માનીત કર્યા હતા, કાંતી ભટ્ટ જેવા દિગ્ગજ પત્રકારના નામનો એવોર્ડ  નવા અને જુવાન પત્રકારોને આપી એવોર્ડના આયોજકોએ ખરેખર એવોર્ડનું સન્માન જાળવ્યું છે. સારૂ કામ કરનાર વ્યકિત જ્યારે પચાસી  વટાવી જાય ત્યારે તે પોતાને પણ પોતાની ઓળખ અથવા સન્માનથી ખાસ કોઈ ફેર પડતો નથી પણ જે જુવાન છે અને હજી તેઓ વધુ સારૂ ખેડાણ કરી શકે છે તેવી વ્યકિતનું સન્માન સમયસર થાય તો તેનો વિશેષ આનંદ થાય છે. 

નરેશ મકવાણા અને કિરણ કાપુરેમાં સામ્યતા એવી છે કે પત્રકારત્વના વ્યવસાયમાં હોવા છતાં દેશી ભાષામાં જેને આપણે ફાંકો કહીએ છીએ તેનાથી તેઓ પોતાને જાતને ખાસ્સી દુર રાખી શક્યા છે. અત્યંત લો પ્રોફાઈલ અને જમીનના માણસો છે, નરેશની આ ખાસીયત જ તેને લોકોની ખાસ કરી ગ્રામીણ વિસ્તારમાં વસતા માણસોની સમસ્યાને સમજવામાં મદદ કરે છે. કિરણ કાપુરે નવજીવન ટ્રસ્ટ અને મેરાન્યૂઝ સાથે સંકળાયેલા હોવાની સાથે વિવિધ અખબારોમાં કોલમ લખે છે. અમદાવાદની સાબરમતી જેલમાં ચાલતા કેદીઓના શિક્ષણ અને પુનસ્થાપન પ્રોજેકટમાં  તેનું મહત્વનું યોગદાન છે, કિરણ મુખ્યત્વે રિસર્સનો માણસ છે, તે પોતાના રિસર્ચ દ્વારા સત્ય સુધી પહોંચે છે અને તર્ક સાથે સત્યને વાંચકો સામે મુકે છે. કાંતી ભટ્ટના એવોર્ડ માટે બે ઉત્તમ પત્રકારોની સમયસર પસંદગી કરી એવોર્ડની ગરીમા પણ જળવાઈ છે. નરેશ અને કિરણ ઉત્તમ પત્રકાર હોવાની સાથે ઉત્તમ માણસ છે અને તેઓ સતત પોતાની અંદરના માણસને જીવંત રાખવાનો સ્વંય પ્રયાસ કરે છે.

પત્રકાર નરેશ મકવાણા અને કિરણ કાપુરે જેવા યુવાન પત્રકારોનું જ્યારે સન્માન થતુ હોય ત્યારે મંચની સામે બેઠેલા પત્રકારોને પણ જાણે પોતાનું સન્માન થતુ હોય તેવો આનંદ થાય છે. આમ કાંતી ભટ્ટ એવોર્ડ ખરા અર્થમાં સાર્થક થયો છે. પરંતુ આગામી વર્ષે જ્યારે આ એવોર્ડ સમારંભનું આયોજન થાય ત્યારે તેમાં થોડોક પધ્ધતિમાં  ફેરફાર થાય તો એવોર્ડની ચમકમાં વધારો થશે, જેમાં બીજા બધા એવોર્ડની પસંદગીમાં થાય છે તેવું કાંતી ભટ્ટ એવોર્ડ માટે પોતાને હકદ્દાર માનતા પત્રકારોએ પોતાની સ્ટોરી સાથે પોતે અરજી કરવાની હતી. હું સારૂ કામ કરૂં છું તેવું કહેવા માટે અરજી કરવાની વાત જરાક ખટકે તેવી છે. આપણા ક્ષેત્રમાં કોણ ઉત્તમ કામ કરે છે તેની શોધ આપણે જ કરવી પડે, ખાસ કરી જ્યારે પત્રકારત્વનો એવોર્ડ હોય ત્યારે દુનિયાની ખબર રાખતા પત્રકારોમાં કોણ કદરને યોગ્ય છે તેની તપાસ જાતે જ કરવી પડે, કાંતી ભટ્ટ એવોર્ડના આયોજકો આગામી વર્ષે અરજી કરવાની પધ્ધતિ પડતી મુકે તેવી અપેક્ષા તો જરૂર રાખી શકાય.