પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): સુશાંતસિંહ રાજપૂતના કેસમાં કંગના રનૌટ અને મહારાષ્ટ્ર સરકાર આમને સામને આવી ગયા છે. કંગનાને મળી રહેલી ધમકીઓને કારણે તેણે મુંબઈ જાણે POK (પાકિસ્તાન ઓક્યૂપાયડ કશ્મીર) હોય તેવું નિવેદન કરતાં શિવશેનાના નેતાઓ ભડક્યા અને તેમણે કંગનાને પડકાર ફેંક્યો કે હિંમત હોય તો અમદાવાદને POK કહી બતાડે. મુંબઈ અને અમદાવાદ POK છે કે નહીં તે એક રાજકીય વિવાદ છે, પણ ખરેખરતો આપણા દરેકના મનમાં POK પડેલું હોય છે. POK શબ્દ અત્યારે ગાળ સમાન લાગી રહ્યો છે. POKનો સાદો અર્થ કરીએ તો જ્યાં કાયદાનું શાસન સમાપ્ત અને ભયનું વાતાવરણ હોય તેવી સ્થિતિ. 

આપણા દરેકના મનમાં POK પડેલું છે તેવું એટલા માટે હું કહું છું કે આપણા મનમાં અનેક ધારણાઓ, ગ્રંથીઓ અને માન્યતાઓ પડેલી હોય છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ આપણી માન્યતા, આપણી ગ્રંથી અને આપણી ધારણા વિરુદ્ધ વ્યવહાર કરે ત્યારે આપણે અસહિષ્ણું થઈ જઈએ છીએ. આપણે માની લઈએ છીએ કે આપણે જે બાબત સાથે સહમત નથી તેવી વાત કરનારો વ્યક્તિ અથવા સંસ્થા આપણને પડકારી રહી છે અને જ્યારે આવી સ્થિતિ નિર્માણ થાય ત્યારે આપણે માનવ સ્થાપિત કાયદાનો ભંગ કરીએ છીએ.


 

 

 

 

ઉદાહરણ રૂપે દીકરી અન્ય કોઈ જ્ઞાતિના યુવક સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુકે ત્યારે એક પિતાની ધારણાને ઠેસ પહોંચે છે કારણ કે પિતાના મતે દીકરીએ પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરવું જોઈએ, બીજું ઉદાહરણ કે અમુક જ્ઞાતિના લોકો પર ક્યારેય ભરોસો કરાય જ નહીં તેવી ગ્રંથી. ત્રીજું ઉદાહરણ માસાહાર કરનાર લોકો દૃષ્ટ હોય છે તેવી આપણી માન્યતા. આમ આપણા નાનકડા મગજમાં આપણને વૈચારીક વારસામાં આવું બીજુ ઘણું મળે છે. 

વૈચારીક વારસામાં આપણને જે મળ્યું છે તે બધું જ સાચુ નથી અને તે બધું જ ખોટું પણ નથી. છતાં જ્યારે આપણી સામે આપણી માન્યતાઓ વિરુદ્ધની પરિસ્થિતિઓ નિર્માણ થાય છે ત્યારે આપણે પુરો વિચાર કરતાં નથી અને અસહિષ્ણું વ્યવહાર આપણા પરિવાર, મિત્રો અને વિરોધી વિચાર ધરાવનાર વ્યક્તિઓ સાથે કરીએ છીએ. તે આપણા મનમાં પડેલું POK છે.

શિવસેનાના નેતાએ કહ્યું કે અમદાવાદને POK કહેવાની હિંમત કરો, પણ ગુજરાતના રાજકારણીઓ, ઉચ્ચ અધિકારીઓ અને પત્રકારોના મનમાં POK પડેલું છે. અહીં એક મોટો વર્ગ એવું માને છે કે તેમના ફોનના સંદેશા આંતરવામાં આવે છે. આમ એક માનસીક ભયનો માહોલ છે. POKનો અર્થ માત્ર કાયદાનું શાસ્ન સમાપ્ત થવો જ નહીં પણ તમારા મનમાં પડેલો ડર એ પણ POKની જ નીશાની છે. ગુજરાતના રાજકારણીઓ, અધિકારીઓ અને પત્રકારો સામાન્ય કોલ કરવાને બદલે વ્હોટસએપ કોલ કરે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કોઈપણ એજન્સી રાજ્યના આટલા બધા ફોનના સંદેશા આંતરવાનું કામ કરી શકે નહીં પણ દરેકના મનમાં એક શંકા અને ડર છે. તે જ POK છે. આમ આપણા મનમાં જે અસહિષ્ણુંતા અને ડર છે તે POKની ઉપર આપણે જ સર્જીકલ સ્ટ્રાઈક કરવી પડશે અને આપણા મનમાં આપણે જાતે જ સહિષ્ણુંતા અને પ્રેમનું શાસન પ્રસ્થાપિત કરવું પડશે.
(સહાભારઃ ગુજરાતમિત્ર)