મેરાન્યૂઝ નેટવર્ક.ગોધરાઃ પંચમહાલ જીલ્લાના વેજલપુરના ઇસમને ફેસબુક પર ફ્રેંડ રિકવેસ્ટ મોકલીને મિત્રતા કેળવીને વોટસએપ ચેટ કરીને તમારી સાથે મિત્રતા થવાથી મને પ્રમોશન મળ્યું છે. તેની ખૂશીમાં ગિફ્ટ મોકલવાનું કહીને એરપોર્ટ પરથી કિંમતી ભેટ છોડાવાની લાલચ આપીને પ્રોસેસ ફીના નામે  5,18,600  રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવાના ઠગ ઇસમને ગોધરા સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ જે.એન. પરમારની ટીમે દિલ્લીથી દબોચી લીધો હતો. આરોપી ઠગને ગોધરા લાવીને વધુ પુછપરછ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ જીલ્લાના કાલોલ તાલૂકાના વેજલપુર ખાતે રહેતા શૈલેષભાઇ નારાયણદાસ પટેલ હાલોલ જીઆઇડીંસીની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમના ફેસબુક આઈડી પર એક અજાણ્યા નામથી ફ્રેંડ રિકવેસ્ટ આવી હતી. તેમણે તે રિકવેસ્ટ સ્વીકારી હતી. ફ્રેડ રિકવેસ્ટ મોકલનારા ઇસમે મિત્રતા કેળવીને વોટસએપ નંબરના માધ્યમથી ચેટીંગ કરીને એક ગિફ્ટ મોકલી આપ્યું હોવાનું જણાવીને શૈલેષભાઇને ફોન કરીને અલગ અલગ બેંક ખાતામાં ગિફ્ટ પાર્સલ છોડાવા માટે રૂપિયા 5,18,600  જેટલી રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી હતી પરંતુ શેલેષભાઇને પોતે છેતરપીંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થતા તેમણે ગોધરા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસ મથકના પી.આઇ જે.એન. પરમાર સહિત તેમની ટીમ દ્વારા મોબાઇલ નંબરો અને બેંકખાતાની વિગતો મેળવીને ઉંડાણપુર્વક તપાસ હાથ ધરવામાં આવતા આરોપીઓ દિલ્લીના હોવાની વિગતો બહાર આવી હતી. આથી ગોધરા સાયબર ક્રાઇમ પોલીસ મથકની ટીમ દિલ્લી ખાતે પહોંચીને કાસીમ ખાલીદ અહમદ રાગડા રહે સી-1-2 રહે સેકેન્ડ રાજુપાર્ક, દેવલી ખાનપુર ન્યુ દિલ્લીને ઝડપી પાડ્યો હતો. આરોપીને ગોધરા ખાતે લાવીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવી વધુ પુછપરછની તજવીજ હાથ ધરી છે.

Advertisement


 

 

 

 

 

હાલ હજી આ ગુનામાં બે આરોપીઓ નદીમ ખાલીક અમહદ રાગડા અને રિઝવાના ખાલીદ અહમદ રાગડા ફરાર છે. સાયબર ક્રાઇમ પોલીસ પકડાયેલા આરોપીએ વધુ ગુના કરેલા છે કે કેમ? અન્ય કોઈ આરોપી સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છે કે આજકાલ અજાણ્યા મોબાઇલ નંબર્સથી કોલ કરીને વિવિધ લોભામણી લાલચો આપીને રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી કરવાના કિસ્સાઓ બની રહ્યા છે. આ પહેલા પણ ગોધરાના એક યુવાનને શેરબજારમાં વધુ નફા આપવાની લાલચ આપીને લાખો રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવીને સાયબર ઠગએ છેતરપીંડી આચરી હતી. સાયબર પોલીસ ટીમ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી મોબાઇલ પર આવતા અજાણ્યા કોલ કરનારાઓની વાતોમાં ન આવી પોતાની પર્સનલ ડીટેઇલ કે નાણા વ્યવહાર ન કરવાની અપીલ કરે છે. જેથી લોકોને છેતરપિંડીનો ભોગ થતા બચાવી શકાય.