મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: સામાન્ય રીતે  રસ્તા ઉપર પચાસ-સો રૂપિયા ઉઘરાવતા પોલીસવાળા એન્ટી કરપ્શન બ્યુરોના પહેલા  નિશાન બને છે. પરંતુ પોલીસ કરતા અનેક ગણો કરોડોનો ભ્રષ્ટાચાર કરતા અન્ય વિભાગના અધિકારીઓ પોતાની ચેમ્બરમાં ભ્રષ્ટાચાર કરતા હોવાને કારણે તેઓ મોટા ભાગે એસીબીની પક્કડમાંથી બહાર રહે છે. પરંતુ એસીબીના વડા તરીકે કેશવકુમાર મુકાયા પછી તેમણે એસીબીના તમામ ઈન્સપેકટરોને આદેશ આપ્યો હતો કે ભ્રષ્ટાચાર દ્વારા કરોડો રૂપિયા એકત્ર કરતા સરકારી અધિકારીઓને મિલકત શોધી કાઢો,જેના ભાગ રૂપે શરૂ થયેલી એસીબીની ઝુંબેશમાં મોટી સફળતા મળી અને ગુજરાત એસીબીનો સૌથી મોટો કેસ નોંધાયો જેમાં કલોલના નાયબ મામલદારે વિરમ લીલાભાઈ દેસાઈએ પોતાના અને પોતાના પરિવારના નામે વાસ્તવીક આવક કરતા  વધુની  કિમંત  રૂપિયા  30.47 કરોડની મિલકત વસાવી હોવાનું શોધી કાઢી વિરમ દેસાઈ સામે વાસ્તવીક આવક કરતા વધુ સંપત્તી રાખવાનો ગુનો નોંધ્યો છે. જો કે તેમના સહ આરોપી તરીકે વિરમ દેસાઈની પત્ની , તેમના બે પુત્રો, બે પુત્રવધુઓ અને પરણિત  દિકરીને પણ આરોપી બનાવવામાંઆવી છે.


 

 

 

 

 

ગુજરાત એસીબીને જાણકારી મળી હતી કે હાલમાં કલોલમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અને હાલમાં નિવૃત્ત જીવન વ્યતિત કરતા વિરમ લીલાભાઈ દેસાઈ પોતાની ફરજકાળ દરમિયાન પોતાની વાસ્તવીક આવક કરતા વધ કિમંતની મિલ્કત વસાવી છે. જેને આધારે તપાસ શરૂ કરી, તેમનો પગાર,તેમની ખેતી અને જમીન વેચાણમાંથી થયેલી આવક,તેમના બેન્ક એકાઉન્ટ અને તેમને ઘર ચલાવવા  માટે કરેલા ખર્ચની તપાસ કરી તો એસીબીના અધિકારીઓ ચૌંકી ઉઠયા હતા. આ તમામ  હિસાબોનું  નાણાકીય સલાહકારના અભ્યાસ બાદ  જે તારણ સામે આવ્યુ તે ખુબ મહત્વનું હતું.

 

વિરમ દેસાઈ સરકારી કર્મચારી હોવાને સાથે ખેડુત હોવાને કારણે જેઓ જમીન ખરીદતા  અને વેચતા હતા. આમ તેમનો સરકારી પગાર અને જમીનના વેચાણમાંથી થયેલી કુલ આવક રૂપિયા 24.97 કરોડ રૂપિયા થતી હતી. જયારે  તેમણે કરેલો ખર્ચ અને તેમણે  પોતાના પરિવારના નામે વસાવેલી અનેક મિલ્કતની કિમંત રૂપિયા 55.45 કરોડ થતી હતી.  આમ તેમણે પોતાની આવકના સ્ત્રોત કરતા 30 કરોડની વધુ મિલકત વસાવી હતી.  2006થી 2020ની ગાળામાં તેમના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા 5.48 કરોડનો વ્યવહાર થયો હતો.જયારે 7.42 કરોડ રોકડા વિવિધ બેન્ક એકાઉન્ટમાં જમા  થયા હતા જયારે તેમણે ઘર ખર્ચ પેટે રૂપિયા 3.08 કરોડનો ખર્ચ કર્યો હતો અને પોતાના પરિવારજનોના એકાઉન્ટમાં  4.61 કરોડ જમા કરાવ્યા હતા. આમ આ તમામ પુરાવા ધ્યાનમાં લેતા કેશવકુમારે વિરમ દેસાઈ અને તેમના પરિવારના સભ્યો સામે વાસ્તવીક આવક કરતા વધુની મિલ્કત વસાવવાનો ગુનો નોંધવાનો આદેશ આપ્યો હતો. હમણાં સુધી સરકારી અમલદાર સામે જ ગુનો નોંધાતો હતો પણ પહેલી વખત એસીબી મદદગારીના કેસમાં પરિવારના સભ્યોને પણ આરોપી બનાવ્યા છે.