મેરાન્યૂઝ નેટવર્ક. જામનગર: જામનગર-જુનાગઢ રોડ પરના જામકંડોરણા તાલુકાના સાતુદળ ગામ નજીક કાલાવડ અને કંડોરણાને જોડતા માર્ગ પરનો પુલ એકાએક ધરાસાઈ થઇ જતા બંને તરફનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. આજે બપોરે ત્રણ સ્ટેજનો આ પુલ વચ્ચેના ભાગેથી તૂટીને વિખેરાઈ ગયો હતો. સદનસીબે જે તે સમયે કોઈ વાહન પસાર થતું ન હતું.  

જામકંડોરણા તાલુકાના સાતુદળ ગામ પાસે આજે બપોરે રાજ્ય ધોરીમાર્ગ પર મોટી દુર્ઘટના સહેજમાં જ ટળી હતી. જેની વિગત મુજબ જામનગર અને જુનાગઢને જોડતા આ માર્ગ પર સાતુદળ ગામ પાસે મહાદેવ મંદિર સામેના રોડ પર આવેલ રોડ પરનો ત્રણ સ્ટેજમાં બંધાયેલ પુલ લાંબા સમયથી જર્જરિત અવસ્થામાં પડુ પડું થઇ રહ્યો હતો છતાં માર્ગ અને મકાન પરિવહન વિભાગ દ્વારા દરકાર લેવામાં આવી ન હતી. તંત્રના આંખ  આડા કાનને કારણે જ આજે બપોરે એકાદ વાગ્યાના સુમારે આ પુલ વચ્ચેથી ધરાસાઈ થઇ ગયો હતો. એકાએક ધડાકા સાથે પુલ વચ્ચેથી તૂટી જતા રસ્તો બંધ થઇ ગયો હતો. જામનગર અને જુનાગઢ તરફનો વાહન પરીવહન વ્યવહાર બંધ થઇ જતા અનેક મુસાફરોની સાથે માલસામાન ભરેલ વાહનો અટવાઈ ગયા હતા. બીજી તરફ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે દોડી પુલના બંને તરફ બાવળની જાળીઓ રૂપી આડસ મૂકી દીધી હતી.