પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.ગુજરાત): સત્તાઓ આવતી જતી રહે છે, રાજનેતાઓ ચૂંટણીઓ હારે છે અને જીતે છે, સરકાર જે કંઈ કામ કરે છે તેનું શ્રેય કાયમ ચૂંટાયેલા નેતાઓને જ મળે છે. આ બાબત આપણી લોકશાહી પધ્ધતિમાં યોગ્ય પણ છે, પરંતુ એક આદર્શ વ્યવસ્થા ઊભી કરવા માટે નાના મોટા હજારો અધિકારીઓ રાત દિવસ કામ કરતા હોય છે. જેમની રાજનેતા તો ઠીક પણ ચૂંટાયેલા નેતાઓ પણ નોંધ લેતા નથી. દેશ અને રાજ્યના લાખો નાના મોટા અધિકારીઓ સરકારી પદ મેળવવા માટે રાત દિવસ મહેનત કરી હોય છે. દુનિયાભરનો અભ્યાસ કરતા હોય છે, પરંતુ સરકારી પદ મેળવ્યા પછી અહેસાસ થાય છે કે આપણે જે રાજનેતાના હાથ નીચે કામ કરવાનું છે, તેણે સ્કૂલ કોલેજમાં ઠીક પણ મંત્રી થયા પછી પોતાના વિભાગનો પણ પુરતો અભ્યાસ કર્યો નથી અને કરતા નથી. આમ છત્તાં યુપીએસસી પાસ કરી આવનાર સનદી અધિકારી જ્યારે આદર્શ વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં કદમ ઉપાડે છે ત્યારે રાજનેતા પોતાના નફા નુકશાનના આધારે સનદી અધિકારીના નિર્ણયને ચકાસે છે અને બ્રેક મારે છે.

નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન ભલે થયા પણ જ્યાંથી તેમણે પોતાની રાજકીય સફર શરૂ કરી તેવા ગુજરાતને પોતાના નેતાઓના સંપુર્ણ હવાલે સોંપી દેવા માગતા ન્હોતા, જેના કારણે સનદી અધિકારી કે. કૈલાશનાથનને એક અલગ દરજ્જા સાથે ગુજરાતમાં રહેવાની સૂચના આપી હતી. નરેન્દ્ર  મોદી વડાપ્રધાન થયા પછી આનંદીબહેન પટેલ પછી વિજય રૂપાણી બીજા મુખ્યમંત્રી છે, ગુજરાતના સનદી અધિકારીઓ કે. કૈલાશનાથનને કેકે સરના ટુંકા નામે ઓળખે છે. સંભવ છે કે કૈલાશનાથનની કામની પધ્ધતિ અને જવાબદારીઓથી સામાન્ય માણસ અજાણ હશે પરંતુ તેઓ ક્રાઈસીસ મેનેજમેન્ટમાં માહિર છે. પછી તે ક્રાઈસીસ રાજ્યની હોય કે ભાજપનું ડેમેજ કંટ્રોલ કરવાની હોય. આ પ્રકારની વિશેષ કામગીરીમાં તેઓ પ્રવિણ છે. સનદી અધિકારીઓ માને છે કે નરેન્દ્ર મોદીની આંખ ફરે અને કૈલાશન ઈચ્છા અને આદેશ એક સાથે સમજી જાય છે, જો કે કૈલાશનાથન પોતાને વર્ષો માધ્યમોથી દુર રાખવામાં સફળ રહ્યા છે અને મોટા પ્રાજેકટ અને ઓપરેશન તેમણે પાર પાડયા પણ તેમના જમણા હાથના કામની ખબર ડાબા હાથને ક્યારેય થઈ નથી.


 

 

 

 

 

ગુજરાત એક નાજુક તબ્બકામાંથી પસાર થઈ રહ્યું છે, આ સમયમાંથી આપણે બહુ જલ્દી પોતાને સાચવી લેવાની જરૂર છે, હજી બાજી હાથમાંથી ગઈ નથી, વિજય રૂપાણી અને નીતિન પટેલના ઈરાદા અને પ્રયત્ન અંગે કોઈ શંકા નથી, છેલ્લાં એક વર્ષથી તેઓ સતત કામ કરી રહ્યા છે, છતાં કયાંકને કયાં ચુક થઈ રહી છે, ઈરાદાઓ સારા હોવા છતાં તે બાબત પરિણામમાં પરિવર્તીત થઈ રહી નથી. જેના કારણે કોરાનાની સાથે માણસના શ્વાસની સાથે વિશ્વાસ પણ તૂટી રહ્યો છે. મારી ચિંતા કરવા માટે સરકાર છે, તે અહેસાસ ખલાસ થઈ રહ્યો છે. હવે સરકાર કંઈ જ કરી શકે તેમ નથી મારે જ કરવું પડશે તેવી ચિંતા કોરાનાગ્રસ્ત વ્યકિતનો પરિવાર અનુભવી રહ્યો છે, જેના કારણે કોરાનાકાળમાં તેને ઘરમાં જ રહેવાની જરૂર છે, પરંતુ તે પોતાના સ્વજનને બચાવવા માટે પાગલની જેમ અહિયાથી ત્યાં દોડી રહ્યો છે, જેના કારણે તેઓ પોતે પણ સંક્રમણથી કેવી રીતે બચશે તેવો પ્રશ્ન છે, સામાન્ય માણસ તો ઠીક ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પણ પોતાના સુરતની ચિંતા થઈ, તેમને અંદાજ આવ્યો કે સરકાર સુરતને મદદ કરી શકે તેવી સ્થિતિમાં નથી એટલે તેમણે જાતે રેમડેસીવીર ઈન્જેકશની વ્યવસ્થા કરી. એક જ રાજ્યમાં બે સમાંતર સરકાર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે.

સી આર પાટીલ આ સ્થિતિમાં વિજય રૂપાણી સરકારનો દોષ શોધવાને બદલે સુરત માટે એક અલગ વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે તે સારો અને પ્રસંશનીય પ્રયાસ છે, પરંતુ આપણી પાસે દરેક શહેર અને જિલ્લામાં સી આર પાટીલ નથી. સી આર પાટીલે પણ કહ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જવાબદારી માત્ર સુરત નહીં આખુ રાજ્ય છે.

સી આર પાટીલ ઈજેંકશનનો જથ્થો કયાંથી અને કેવી રીતે લાવ્યા તે પ્રશ્ન અહિયાથી પણ એક પ્રદેશ પ્રમુખને જ્યારે લાગે કે પોતાની સરકારના ભરોસે બેસી રહેવું યોગ્ય નથી આ નાજુક સ્થિતિ છે. આ સ્થિતિમાં કૈલાશનાથને રાજયની બાગડોર સંભાળી લેવાની જરૂર છે. કારણ ગુજરાતને બચાવવુ જરૂરી છે, કૈલાશનનાથના નિર્ણય આકરા હશે, અધિકારીઓ અને કયાંક પ્રજાને પણ પસંદ પડશે નહીં, પણ તેઓ ક્રાઈસીસ મેનેજમેન્ટ જાણે છે. લોકડાઉન જરૂરી છે કે નહીં તેનો નિર્ણય પ્રજાની લાગણી અને માગણીના આધારે નક્કી થાય નહીં. આગ સાથે રમતા સંતાનને બચાવવા કયારેક રૂમમાં પુરી દેવો પડે, ત્યારે સંતાન નારાજ થાય પણ પિતાઓ સંતાનના રાજીપા અને નારાજગી કરતા આવશ્યક શું છે તેના આધારે નિર્ણય કરવાનો હોય છે. કૈલાશનાથ તમે પણ ગુજરાતને પ્રેમ કરો છો, છેલ્લાં ચાર દાયકાથી તમારા શ્વાસમાં ગુજરાતની હવા છે, કોણ શું કહેશે તેનો વિચાર કરવા કરતા ગુજરાતને બચાવવુ વધારે જરૂરી છે. કારણ તમારા નિર્ણયમાં હાર જીતની ચિંતા નહીં હોય.


 

 

 

 

 

રાજય તરીકે પ્રજાના એક એક શ્વાસની ચિંતા કરવાની જવાબદારી રાજ્યની હોય છે, પરંતુ પ્રજાની ચિંતા કરવાની જવાબદારી રાજ્યની હાઈકોર્ટ ઉપાડે તેના કરતા દારૂણ સ્થિતિ શું હોય, હાઈકોર્ટ જ્યારે ઠપકો આપે ત્યારે જેમ કોઈ બાળકને ચોકલેટ આપી રાજી કરે તેમ હાઈકોર્ટને બતાડવા માટે પ્રતિકાત્મક આદેશ જાહેર કરવામાં આવે તેવો ભાસ થાય છે. આ સ્થિતિમાં ગુજરાતીઓને કોરાના કરતા મૃત્યનો વધારે ભાસ થઈ રહ્યો છે, બહુ જ ડરામણી સ્થિતિ છે, સંતાનોને ઘરના વડિલોની અને વડિલોને સંતાન ગુમાવવાનો ડર લાગી રહ્યો છે. કૈલાશનાથ તમારી પાસે રાજયના સમજદાર અને શકિતશાળી અધિકારીઓને ફૌજ છે.

તમારા અધિકારીઓને આદેશ આપો કે બદલી થશે અને રાજનેતા નારાજ થશે તેવો ડર કાઢી નાખો આપણે રાજનેતા માટે નહીં લોકો માટે  છીએ, લોકોને બચાવવા પડશે કારણ  ક્બ્રસ્તાન અને સ્મશાનમાં કોઈ મંત્રી અને સંત્રી હોતા નથી. અહિયા કોઈ રાજનેતાને ઉતારી પાડવાનો પણ પ્રશ્ન નથી પરંતુ દેશ અને અનેક રાજયમાં અનેક સનદી અધિકારીઓએ અગાઉ પણ આવા નિર્ણય કર્યા છે, જેના કારણે દેશ અને અનેક રાજ્યો સનદી અધિકારીનું સુઝબુઝને કારણે અનેક વિપદામાંથી બહાર આવ્યા છે. એટલે હવે ખુદ વિજય રૂપાણીએ કૈલાશનાથનને કહેવું જોઈએ તમારા તમામ નિર્ણયમાં અમે તમારી સાથે છીએ કોરાનાની આ લડાઈના તમે સારથી બનો.