પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતની દારૂબંધી કેટલી ખોખલી છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે, મહેસાણા પાસે આવેલા કડી પોલીસ સ્ટેશનમાં ખુદ પોલીસ ઈન્સપેકટર અને પોલીસ કોન્સટેબલો મળી લોકડાઉન દરમિયાન મુદ્દામાલનો દારૂ વેંચી રહ્યા હોવાનું ગાંધીનગર એસપીની તપાસમાં સ્પષ્ટ થતાં કડીના પોલીસ ઈન્સપેકટર સહિત નવ પોલીસ સામે ગુનો નોંધાઈ ચુકયો છે જો કે કાયદાના જાણકાર ઈન્સપેકટર અને પોલીસવાળા અગાઉ જ ફરાર થઈ જતા તેમને ઝડપી લેવા માટે ગાંધીનગરની ચાર ટીમોને રવાના કરવામાં આવી છે.

લોકડાઉન દરમિયાન દારૂની તંગી ઉભી થતાં કડી પોલીસ ખુદ મુદ્દામાલમાં રહેલો દારૂ બુટલેગરોને વેંચી રહી તેવી જાણકારી આઈજીપી મયંકસિંહ ચાવડાન મળતા, તેમણે આ મામલે ગાંધીનગરના એસપી મયુર ચાવડાને તપાસ સોંપતા વિવિધ પોલીસ ટીમો કામે લાગી હતી,જેમાં પોલીસે પોતાનો ગુનો છુપાવવા માટે વધેલો દારૂનો જથ્થો નર્મદા કેનાલમાં ફકી દીધો હતો, જ એનડીઆરએફની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો.

આ મામલે તપાસમાં બહાર આવેલી વિગત પ્રમાણે કડી પોલીસે ક્રાઈમ બ્રાન્ચના વહિવટદાર અને હમગાર્ડ જવાન ગીરીશ પરમાર મારફતે દારૂનો જથ્થો બુટલેગરને વેંચ્યો હતો જે અંગેના સીસી ટીવી ફુટેઝ પણ પોલીસને હાથ લાગ્યા છે. આમ પોલીસે શરમની તમામ પરાકાષ્ટાઓ મુકી દારૂનો ધંધો કર્યો હોવાનું ફલીત થયુ હતું, જો કે પોલીસ ઈન્સપેકટર ઓ એમ દેસાઈ અને બે સબ ઈન્સપેકટરો તેમજ છ પોલીસવાળા પહેલા ફરાર થઈ ગયા હતા, ફરાર પોલીસ કોર્ટમાં જઈ આગોતરા જામીન મેળવે નહીં તે માટે આઈપીસી 409 અને 201 પ્રમાણે ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં આજીવન કારાવાસ સજાની જોગવાઈ હોવાને કારણે આગોતરા જામીનના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે, આ દરમિયાન ફરાર પોલીસ અધિકારી અને જવાનોને શોધવા ગાંધીનગર પોલીસની ચાર ટીમો સંભવીત સ્થળે દરોડા પાડી રહી છે.