પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ખાસ કરી પોલીસમાં કેટલાંક અધિકારીઓને આંધળુકીયુ કરવાની ટેવ હોય છે,આ પ્રકારના અધિકારીઓ જયારે  કાયદાના પંજામાં ફસાતા નથી ત્યાં સુધી  તેમની ગણના બહાદુર અધિકારીઓમાં થતી હોય છે પણ એક વખત કાયદાની તાકાતની તેમને ખબર પડે પણ તેમના પગ નીચેથી પણ ધરતી ખસી જતી હોય છે આવુ જ કઈક  મહેસાણા પોલીસમાં થયુ છે પહેલા મહેસાણાના કડી પોલીસ સ્ટેશનમાંથી દારૂ વેચી દેવાનો આરોપ થયો હવે તો મહેસાણા એસપી ઓફિસમાંથી સરકારી નાણાની ગેરરિતી થઈ હોવાની આશંકાએ ડીજીપી ઓફિસના અધિકારીઓએ મહસાણા એસપી ઓફિસમાં ધામા નાખ્યા છે.

મહેસાણામાં કડી દારુ પ્રકરણ થયા પછી ડીજીપી શીવાનંદ ઝાએ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોતાનુ ધ્યાન કેન્દ્રીત કર્યુ હતું, આ દરમિયાન જાણકારી મળી હતી કે મહસાણા એસપી ઓફિસમાં પણ સરકારી હિસાબમાં ગેરરિતી થઈ છે,  જેના પગલે  ડીજીપી ઓફિસના અધિકારીઓને મોકલી તપાસ શરુ કરવામાં આવી છે, આ બાબત અંગે આઈજીપી મયંકસિહ ચાવડાને પુછતા તેમણે ડીજીપી ઓફિસના અધિકારીઓ તપાસ કરી  રહ્યા હોવાની વાત સ્વાકારી હતી  જો કે આ રૂટીન તપાસ હોવાનું કહ્યુ હતું, આમ એસપી મનિષસિંગની બદલીનું કારણ  દારુ પ્રકરણ છે  કે એસપી ઓફિસની કથીત ગેરરિતી તે સ્પષ્ટ થયુ નથી, પણ નવા આવેલા એસપી ડૉ પાર્થરાજસિંહ ગોહિલે  એસપી મનિષસિંગે  કરેલી બદલીઓ રદ કરી નવા અધિકારીઓને મુકયા છે.