મેરાન્યૂઝ નેટવર્ક.કડીઃ લોકડાઉન દરમિયાન જીવન જરૂરિયાતની વસ્તુ સિવાય કોઈ વસ્તુની બુમ પડી હોય તો તે દારુ છે, જોકે પોલીસની આટલી કડક નાકાબંધી વચ્ચે પણ દારુ પીનારને મોંઘો દારુ પણ મળી રહેતો હતો, પરંતુ મહેસાણા નજીક આવેલા કડીમાં ખુદ પોલીસે જ મુદ્દામાલમાં પકડેલો દારુ વેચ્યો હોવાની ફરિયાદ ગાંધીનગરના રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાને મળતા તેમણે આ બાબતની તપાસ ગાંધીનગરના એસપી મયુર ચાવડાને સોંપી છે.

ગુજરાતમાં પ્રવેશવાના તમામ નાકાઓ બંધ હોવાને કારણે ગુજરાતમાં દારુ ઘૂસાડવો અઘરો હતો, પણ અશક્ય ન હતો. જેને કારણે દારુની કિંમત ઊંચી અને ગુણવત્તા નીચી ગઈ હતી. ચોક્કસ બ્રાન્ડની અપેક્ષા રાખનારને પોતાની બ્રાન્ડ મળતી ન હતી છતાં દારુ સાવ જ મળતો નથી તેવી પણ સ્થિતિ ન હતી. આ દરમિયાન ગાંધીનગર રેન્જના આઈજીપી મયંકસિંહ ચાવડાને જાણકારી મળી કે, પોલીસ દ્વારા અગાઉ પકડવામાં આવેલો દારુનો જથ્થો જે હવે સરકારી મુદ્દામાલ છે તેનું જ કડીના કેટલાક પોલીસવાળા પાછલા બારણે વેચાણ કરી રહ્યા છે. 

દરમિયાનમાં દારુનો ધંધો કરતાં આ પોલીસવાળાને પણ પોતાના વિરુદ્ધ ફરિયાદ થઈ છે. તેવી આગોતરી જાણકારી મળી જતાં તેમણે તેમની પાસે વધેલો દારુનો જથ્થો નજીકમાં આવેલી નર્મદા કેનાલમાં ફેંકી દીધો હતો. આઈજીપી મયંકસિંહ ચાવડાએ આ બાબતની તપાસ ગાંધીનગર એસપી મયુર ચાવડાને સોંપી હતી. તપાસ કરનાર અધિકારીઓને જાણકારી મળી હતી કે, પોલીસે નર્મદા કેનાલમાં દારુ ફેંક્યો છે જેના કારણે ગાંધીનગર પોલીસ તરવૈયાઓ સાથે નર્મદા કેનાલ પહોંચી જ્યાં કેનાલમાંથી દારુના ખાલી ખોખા મળી આવ્યા હતા.

હાલમાં એસપી મયુર ચાવડા તપાસ કરી રહ્યા છે, પ્રારંભીક તબક્કે કડી પોલીસ દ્વારા ભૂતકાળમાં પકડવામાં આવેલો દારુનો જથ્થો અને હાલમાં પોલીસ કસ્ટડીમાં રહેલા દારુના જથ્થાની ગણતરી ચાલું છે. આમ સરકારી મુદ્દામાલમાં જો ઘટાડો આવે તો પોલીસે મુદ્દામાલનો દારુ વેચ્યો હોવાનું નક્કી થશે, પરંતુ આ તપાસના ધમધમાટના પગલે કડી પોલીસ સ્ટેશનના એક અડધો ડઝનથી વધુ પોલીસ કર્મીઓ ધરપકડના ડરે ભૂગર્ભમાં ઉતરી ગયા છે.