મેરાન્યૂઝ નેટવર્ક.મહેસાણાઃ મહેસાણાના કડી પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર સહિત નવ પોલીસકર્મીઓ સામે મુદ્દામાલનો દારુ લોકડાઉન દરમિયાન વેચવાના કેસ બાદ પ્રાથમિક દ્રષ્ટિએ પોતાના તાબાના પોલીસ સ્ટેશનમાં સુપરવિઝન રાખવામાં એસપી મનિષ સિંગ નિષ્ફળ ગયા હોવાનું રાજ્ય સરકારને લાગતા તેમની બદલી દાહોદ એસઆરપી ગ્રુપમાં કરવામાં આવી છે. જ્યારે તેમના સ્થાને નવા એસપી તરીકે પોરબંદરના એસપી પાર્થિવરાજ ગોહીલને મુકવામાં આવ્યા છે.

લોકડાઉનમાં જ્યારે ગુજરાતમાં દારુની તંગી ઊભી થઈ ત્યારે કડી પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રહેલો મુદ્દામાલનો દારુ ખુદ પોલીસે જ બુટલેગરને વેચવાની શરૂઆત કરી હતી. આ દિવસોમાં  એસપી મનિષ સિંગે પોતાના તાબાના પોલીસ સ્ટેશન પર નજર રાખવાની હતી, પરંતુ તેમાં તેમની નિષ્કાળજી બહાર આવી હતી. આ મામલે રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ તપાસ કરવાનો આદેશ આપતા ગાંધીનગર એસપી મયુર ચાવડાએ આ ઘટનામાં સામેલ પોલીસ ઈન્સપેક્ટર સહિત નવ પોલીસ જવાનો સામે ગુનો નોંધ્યો હતો.

દારુ પ્રકરણને છૂપાવવા જ્યારે તપાસ શરૂ થઈ તે સાથે જ દારુને નર્મદામાં ફેંકી દેવાયો હતો. લગભગ હજાર જેટલી બોટલ્સ નદીમાં ફેંકી દેવાઈ હતી. જોકે કેસ નોંધાયો હતો. આજે મંગળવારે મોડી સાંજે રાજ્યના ગૃહવિભાગે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ મહેસાણા એસપી મનિષ સિંગને મહેસાણાથી ખસેડી દાહોદ એસઆરપીમાં ખસેડી દીધા છે.