મેરાન્યૂઝ નેટવર્ક.મહેસાણાઃ કડીમાં ઘરમાં ઘૂસીને કેટલાક શખ્સો દ્વારા પરિવારને માર મારવામાં આવ્યો જેમાં ફરિયાદને પાંચ દિવસ છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પોલીસ રાજકીય દબાણ હેઠક કામ કરી રહી છે, ફરિયાદ લેતી નથી, વગેરે જેવા આક્ષેપો ફરિયાદી કરી રહ્યા છે. જે આક્ષેપોનો અહીં વીડિયો પણ રજુ કરાયો છે. સાથે જ પોલીસનું શું કહેવું છે તે પણ અહેવાલમાં રજુ કરાયું છે.

બાબત એવી બની હતી કે, ગત 1 તારીખે, આરોપીઓ ગૌરવ ઉર્ફે ગેંગો નટુ પટેલ, અલ્પેશ ઉર્ફે ભુજી શંભુ પટેલ, રૂતુલ જયેશ પટેલ, અલ્પેશ ઉર્ફે રઘો ચંદ્રકાન્ત પટેલ, અજય ઉર્ફે પિન્ટુ બળદેવ, ભાર્ગવ ઉર્ફે ટાયસન રમેશ, વિકાસ પ્રવિણ ગણેસદાસ પટેલ (તમામ રહે. કંડાળ કલાભગનો વાસ, કડી ગામ ખાતે) તમામ શખ્સોએ ભેગા થઈને ગામમાં જ અમરનાથ બંગ્લોઝ કરણ રોડ પર રહેતા સંદીપકુમાર બચુભાઈ પટેલના ઘરે ઘસી આવ્યા હતા.

મળી રહેલી વાત પ્રમાણે મંદિરના રૂપિયા મામલે તેમના વચ્ચે મનદુઃખ હતું. જે મામલે આ શખ્સોએ તેમના ઘરે ઘૂસી જઈ ધોકાઓ વડે તેમના પર તૂટી પડ્યા હતા. આ વખતે તેમની દીકરીને પણ આ શખ્સોએ ઝપાઝપી કરી તેમાં કપડાં ફાડી નાખ્યા હતા. જેનો પ્રતિકાર કરતાં બંનેને માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત તેમની પાસેથી કેટલોક સામાન લૂંટી લીધો હતો.

શખ્સોએ તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા તેઓ પોલીસ મથકે ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા. ફરિયાદ મોડી લેવાઈ હોવાના આક્ષેપો પણ કરાયા હતા. આ સંદર્ભે ફરિયાદી સંદીપ પટેલે આક્ષેપો કર્યા છે કે પોલીસનું આ ઘટનામાં ઉદાસીન વલણ છે. પોલીસ દ્વારા રાજકીય દબાણ કે વ્યવહારને કારણે આરોપીઓને હજુ સુધી પકડાયા નથી. તેમની ધરપકડની માગણી સાથે તેમણે આત્મહત્યાની ચિમકી પણ ઉચ્ચારી છે. સંદીપ પટેલે આક્ષેપ કર્યો હતો કે દીકરીના કપડાં ફાડ્યા જેની ફરિયાદ આપવા ગઈ તો તેની ફરિયાદ લેવાઈ નથી પરંતુ ફરિયાદમાં કલમ 354 બી અંતર્ગત તે સંદર્ભે છેડતીનો પણ ગુનો એક જ ફરિયાદમાં સમાવી લીધો છે તેવું એફઆઈઆરમાંથી જાણી શકાય છે.

ઉપરાંત તપાસ અધિકારી પીએસઆઈ કલ્પેશ પટેલે કહ્યું કે, આ ઘટનામાં મંદિરનો વહીવટ લેવા બાબતે ઝઘડો હતો. ફરિયાદ પોલીસે તુરંત લીધી છે અને તેમાં 395, 504, 506, 452 સહિતની ગંભીર કલમો લગાવીને ફરિયાદ નોંધવામાં આવી છે. રાત્રીના 9.30નો બનાવ હતો અને તે જ રાત્રે તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેમની સારવાર થઈ બાદમાં કામગીરી હાથ ધરતાં રાત્રે જ 2 વાગ્યાના આસપાસ ફરિયાદ પણ લીધી હતી. જો રાજકીય દબાણ હોત તો પોલીસ ફરિયાદની કાર્યવાહી આટલી ઝડપે કરતી? નહીં ને.. માટે રાજકીય દબાણની વાત ઉપજાવી કાઢેલી છે. હાલ હું થોડા દિવસોની રજા પર છું, તેથી વધારાની તપાસ હાલ અમારા પીઆઈ સાહેબ કરી રહ્યા છે.