મિલન ઠક્કર (મેરાન્યૂઝ.અમદાવાદ): કોરોનાના દર્દીઓને ઝડપી સારવાર મળી રહે તે માટે કહેવાતી સંવેદનશીલ સરકાર અણઘડ નિયમો બનાવી રહી હતી ત્યારે નામદાર હાઇકોર્ટના આકરા વલણ બાદ સરકાર સફાળી જાગી છે અને નિયમોમાં થોડા અંશે ફેરફાર કર્યો છે, પરંતુ એ સુધારો માત્ર કાગળ ઉપર જ હોવાનું જણાઈ આવ્યું છે. કોર્પોરેશનના આદેશ બાદ પણ ખુલ્લેઆમ કોર્પોરેશનની ગાઈડલાઈનનું પાલન ન થતું હોવાનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. અહીં એક સામાન્ય સમજની પણ ઉણપ જોવા મળી રહી. દર્દી ગંભીર હાલતમાં હોય ત્યારે કોર્પોરેશન પાસે રિફર ચિઠ્ઠી લેવા જાય કે, પછી હોસ્પિટલ.

બીજું કે, કોર્પોરેશનના આદેશ મુજબ દરેક હોસ્પિટલની બહાર AMCના બેડની વિગતો દર્શાવતું બોર્ડ મૂકવું ફરજિયાત છે. ત્યારે અમદાવાદમાં SG હાઇવે પર આવેલી કેડી હોસ્પિટલમાં કોર્પોરેશનના કેટલા અને કયા બેડ ખાલી છે એ માહિતી દર્શાવતું બોર્ડ કે ડિસ્પ્લે મૂકવામાં આવ્યું નથી. ત્યાંના રિસેપ્શન કાઉન્ટર પર બેઠેલા લોકો એવું કહે છે કે, નવો નિયમ આવ્યો છે એટલે હજી તો બે દિવસ લાગશે.

દર્દીને AMC બેડમાં દાખલ કરવાની પદ્ધતિ વિષે પૂછતાં તેઓ જવાબ આપે છે કે, જો AMC બેડમાં દાખલ થવું હોય તો 108માં આવો એમની પાસે માહિતી હશે કે, કેડી અથવા બીજી કઈ હોસ્પિટલમાં AMC બેડ ઉપ્લબ્ધ છે. અથવા કોર્પોરેશનની રીફર ચિઠ્ઠી લઈને આવો. એના માટે દર્દીએ અથવા સગાએ કોર્પોરેશનમાં ફોન કરવો અથવા રૂબરૂ જઈને રિફર ચિઠ્ઠી લઈને આવવું તો જ AMCનો બેડ મળી શકશે. એ પણ ઉપ્લબ્ધ હશે તો જ!

આ મામલે મેરાન્યૂઝ દ્વારા કોર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. મેહુલ આચાર્યને ફોન કરતાં, કોઈ કારણ સર તેઓ ફોન રિસીવ કરી શક્યા ન હતા.

હવે પેશન્ટની હાલત ગંભીર હોય ત્યારે માણસ કોર્પોરેશનમાં રિફર ચિઠ્ઠી લેવા જાય કે, હોસ્પિટલ જાય? જોકે લોકોમાં કેડી હોસ્પિટલ રાજકીય રીતે ખૂબ જ વગદાર હોવાથી મનમાની કરી રહી હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ અગાઉ ભારતના કદાવર નેતાએ પણ કેડી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.