રમેશ સવાણી (અમદાવાદ): જાન્યુઆરી, 2018માં, સુપ્રિમ કોર્ટના જસ્ટિસ રંજન ગોગોઈ અને બીજા ત્રણ જજોએ અભૂતપૂર્વ પગલું ભર્યું હતું. તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી; ત્યારે રંજન ગોગોઈએ ઘોષણા કરેલી કે ‘દેશમાં લોકશાહી ખતરામાં છે !’ આ ઘોષણાથી વડાપ્રધાનનું નાક કપાઈ ગયું હતું ! આખી દુનિયામાં ફજેતી થઈ હતી ! હવે એ જ વડાપ્રધાને, માર્ચ 2020માં રંજન ગોગોઈને રાજ્યસભાના સભ્ય તરીકે નિમણૂંક અપાવી છે ! લોકો માથું ખંજવાળે છે કે આવું કઈ રીતે બન્યું? નાક કાપનારને ઈનામ? રંજન ગોગોઈ તો ગ્રેટ મેજિશિયન નીકળ્યા ! રાજકારણમાં દુશ્મન મિત્ર બની જાય અને મિત્ર દુશ્મન બની જાય, તેવું જોયું છે. જે જસ્ટિસને લોકશાહી ખતરામાં લાગતી હતી, તેને આવું ઈનામ વડાપ્રધાન પાસેથી સ્વીકારવાની જરુર કેમ પડી હશે? સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટિસને રાજ્યસભાના સભ્ય થવાની ઘેલછા જાગે; એ તો કલેક્ટર પટ્ટાવાળા તરીકે એક્ટેન્શન મેળવે તેવું ગણાય ! મહત્વનો સવાલ એ છે કે લોકશાહી 2018 ખતરામાં હતી કે 2020 માં? સુપ્રિમકોર્ટ, હાઈકોર્ટના જજ નિવૃતિ પછીની ‘રાજવી સવલતો’ મેળવવા બંધારણને એક બાજુ મૂકી; વડાપ્રધાનને વફાદાર રહે તો લોકશાહી ટકશે ખરી? 

ભારતના નાગરિકોને, ગોદી મીડિયાનો પરિચય થયો; હવે ગોદી ન્યાયતંત્રનો અનુભવ થશે ! આ ખતરનાક બાબત છે. હાઈકોર્ટ, સુપ્રિમકોર્ટના નિવૃત જજને સરકારી હોદ્દા આપવામાં આવે તો જજની નિષ્ઠા બંધારણ પ્રત્યે રહી શકે નહીં; સરકારને ખુશ કરવાની લાલચ જાગ્યા વિના ન રહે ! જજને નિયંત્રિત કરવા માટે; સંપૂર્ણ સત્તા હાંસલ કરવા માટે હોદ્દાનું ગાજર લટકાવવામાં આવે છે ! ઇલેકશન કમિશનને તો કહ્યાગરું બનાવી દીધું છે; હવે ન્યાયતંત્રને કહ્યાગરું બનાવી દેવા ચોકીદાર પરિશ્રમ કરી રહ્યા છે ! લખી લ્યો: Absolute Power Corrupts Absolutely !

આગલી સરકારોએ પણ આવી નિમણૂંકો કરી હતી; એ કારણસર રંજન ગોગોઈની નિમણૂંક ઉચિત ઠરતી નથી. બીજાએ ખોટું કર્યું એટલે તેનું પુનરાવર્તન કરવાની દલીલ જ ખોટી છે. જસ્ટિસ રંજન ગોગોઈએ વડાપ્રધાનની કઈ સેવા કરી હતી? [1] રફાલ કેસમાં દેખીતી રીતે ભ્રષ્ટાચારી ચોકીદારને ‘ક્લિનચિટ’ આપવામાં આવી; સાથે કોર્પોરેટ કંપનીને છાવરવામાં આવી ! [2] CBI કેસમાં રાકેશ અસ્થાના સામે ભ્રષ્ટચારના આરોપ હતા; તેને છાવરવામાં આવ્યા અને નિષ્ઠાવાન અધિકારી આલોક વર્માનું મોરલ તોડી નાંખ્યું ! [3] ‘તીન તલ્લાક’ કેસમાં અને બાબરી મસ્જિદ કેસમાં અનુકૂળ ચૂકાદો આપ્યો ! [4] કાશ્મિર-370 કેસમાં નાક બચાવ્યું ! આવી સેવા બદલ વડાપ્રધાને, રંજન ગોગોઈને ‘રિટર્ન ગિફ્ટ’ આપી છે ! કોઈ પણ સરકાર સેવાચાકરી વિના મેવા પીરસે નહીં ! તમે જ કહો; દેશના તમામ જજોના મનમાં રંજન ગોગોઈ બનવાની આકાંક્ષા પ્રગટે તો દેશની શું હાલત થાય?
(લેખક નિવૃત્ત IPS અધિકારી છે)