મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: રાપરનાં દેનાબેંક ચોકમાં સરાજાહેર સામાજિક આગેવાન અને એડવોકેટ દેવજી મહેશ્વરીની હત્યાની ઘટના સામે આવી હતી. આજે પાંચ દિવસ બાદ તેના પરિવારજનોએ લાશનો સ્વીકાર કર્યો છે. એડવોકેટનાં અંતિમસંસ્કાર માટે વડગામનાં ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણી ખાસ પહોંચ્યા હતા. અને સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. મેવાણીએ કહ્યું હતું કે, ન્યાય મેળવવા રસ્તા પર ઉતરવું પડે કે પછી ચક્કાજામ કરવો પડે તે ખરેખર દુઃખદ કહેવાય. સાથે જ એડવોકેટની હત્યાની આ ઘટનાને તેમણે વખોડી હતી.

ઉલ્લેખનીય છે કે, એડવોકેટની હત્યા બાદ સમાજના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. ઘટનાને લઈને પોલીસે પણ ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપીને મુંબઇથી ઝડપી પાડ્યો હતો. અને અન્ય 10 જેટલા લોકોને પણ રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. બાદમાં પરિવારજનો આજે લાશ સ્વીકારવા તૈયાર થતા જ પોલીસે હાંશકારો અનુભવ્યો છે.