મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરૂદ્ધ પત્રકાર પરિષદ યોજી પ્રશ્નો કરનાર ચાર વરિષ્ઠ જજોમાં સામેલ ચેલમેશ્વરમે સુપ્રિમ કોર્ટ બાર એસોશિયેશન દ્વારા આપવામાં આવેલ ફેરવેલ ફંક્શનના આમંત્રણને ફગાવી દીધુ છે. જો કે તેમણે આ આમંત્રણ ન સ્વિકારવા પાછળ અંગત કારણ હોવાનું જણાવ્યુ છે. જસ્ટિસ જે. ચેલમેશ્વર આગામી 22 જૂનના રોજ નિવૃત્ત થઇ રહ્યા છે.

સુપ્રિમ કોર્ટ બાર એસોશિયેશનનાં અધ્યક્ષ વિકાસ સિંહે જણાવ્યુ કે બાર બોડીએ જસ્ટિસ ચેલમેશ્વરને ગત સપ્તાહ મળીને 18 મે ના રોજ યોજાનાર ફેરવેલ માટે તેમને આમંત્રણ આપ્યુ હતું પરંતુ તેમણે આ આમંત્રણ સ્વિકાર્યું નથી. 18 મે ના રોજ સુપ્રિમ કોર્ટમાં ઉનાળુ વેકેશન પહેલા તેમનો અંતિમ કાર્ય દિવસ છે. જસ્ટિસ ચેલમેશ્વરે બાર એસોશિયેશનનાં સભ્યોને એમ પણ કહ્યુ કે આંધ્ર પ્રદેશ હાઇકોર્ટથી બીજી હાઇકોર્ટમાં જતા સમયે પણ તેમણે ફેરવેલનું આમંત્રણ સ્વિકાર્યુ ન હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસના કામકાજ પ્રત્યે અસંતોષ વ્યક્ત કરતા જસ્ટિસ ચેલમેશ્વર ઉદાર લોકશાહી માટે સ્વતંત્ર ન્યાયતંત્રની જરૂરિયાત પર ભાર મુકતા હતા. તેઓએ કહ્યું હતું કે લોકશાહી ત્યારે જ જીવિત રહી શકે છે જ્યારે ન્યાયપાલિકા નિષ્પક્ષ અને સ્વતંત્ર હશે.