મેરાન્યૂઝ નેટવર્ક.જુનાગઢઃ જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ આજે મુખ્યમંત્રી રુપાણીના કાર્યક્રમ પછી એક મોટો ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમને કેબિનેટ મંત્રી તરીકેનું પદ્દ અને 25 કરોડ રૂપિયાની ઓફર હતી, પણ તેઓએ હંમેશા જુનાગઢના હિતમાં કોંગ્રેસની સાથે જ રહેવાનું પસંદ કર્યું હતું. તેમના આ ઘટસ્ફોટે ફરી રાજકીય વાતાવરણ ડહોળ્યું છે.

તેમણે એવું પણ કહ્યું કે, તે કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડી સેવા કરી રહ્યા છે. જુનાગઢને વફાદાર રહ્યો છું. સાથે જ હું કોંગ્રેસનો છું અને રહીશ. 25 વર્ષ પહેલા હું ભાજપમાં હતો ત્યારે કાયદેસરના અધિકાર હેઠલ મને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવો જોઈતો હતો પણ ભાજપે મને પ્રમુખ ન બનાવ્યો તેથી હું ત્યાંથી નીકળી ગયો હતો.

તેમણે આરોપો મુક્યા કે, સરકાર જુનાગઢના વિકાસ માટે ઘણા રૂપિયા આપે છે પણ અણધડ વહીવટને કારણે લોકોને તેનો લાભ મળતો નથી. જેતપુરમાં ડાઈંગના કેમીકલ વાળા પાણીને કારણે નદીઓના પાણી આજે લાલ થઈ ગયા છે જેની રજૂઆત પણ કરી હતી. વિસાવદરમાં પ્રાંત અધિકારીએ પ્રામાણિક ફરજ બજાવી ગેરકાયદે ઘાટો તોડી નાખ્યા અને તેમને બિરદાવવાને બદલે આજે તેમની બદલી કરી નાખવામાં આવી તે યોગ્ય નથી.

ચાલુ કાર્યક્રમમાં જ ભીખાભાઈએ લખેલો પત્ર મુખ્યમંત્રીને આપ્યો જેમાં તેમણે રજુઆત કરી હતી કે રોપ વે ચાલુ થયા પછી પણ હજુ ગીરનાર પર અનેક અસુવિધાઓ છે, ઉપરાંત ગીરનારમાં સિંહ દર્શન પ્રોજેક્ટ બંધ હોવાથી જુનાગઢના જીપ માલીકોને આર્થિક માર પડ્યો છે. તે બાબતો અંગે સરકારે વિચારવું જોઈએ.