પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.માંગરોળ): સામાન્ય રીતે ગુંડાઓ સાથે મારધાડ કરતી પોલીસની ખાખી વર્દી પાછળ પણ એક માણસ છૂપાયેલો હોય છે જેની બહુ જવલ્લે જ લોકોને ખબર પડતી હોય છે. જુનાગઢ જિલ્લાના માંગરોળના ડીવાયએસપી જુગલ પુરોહીતે જ્યારે પેલી સ્ત્રીને જોઈ ત્યારે મનોમન તેમણે આ સ્ત્રીને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તેવો નિર્ધાર કર્યો. માંગરોળના એક વેપારી કિરિટભાઈ મકવાણાએ ડીવાયએસપી જુગલ પુરોહીતને ફોન કરી જાણકારી આપી કે, તેમના વિસ્તારમાં છેલ્લા એક દોઢ મહિનાથી એક પાગલ સ્ત્રી રસ્તા ઉપર ફરી રહી છે, પણ તે ગર્ભવતી હોય તેવું હવે લાગી રહ્યું છે.

આ જાણકારી મળતા ડીવાયએસપી જુગલ પુરોહીતે મહિલા પોલીસ સાથે સ્ટાફને મોકલી તે સ્ત્રીને પોલીસ સ્ટેશન લઈ આવવાની સૂચના આપી. પોલીસ સ્ટેશન લાવવામાં આવેલી સ્ત્રીને જોતા જ તેની શારિરીક રચનાને જોતા તે ગર્ભવતી હોવાનું અનુમાન હતું. સ્ત્રી અત્યંત મેલીઘેલી, ફાટેલા વસ્ત્રોમાં હતી. અત્યંત દારૂણ સ્થિતિમાં રહેલી આ સ્ત્રીને મદદરૂપ થવા માટે કેટલીક સેવાભાવી મહિલાઓને બોલાવી તેને સ્નાન કરાવી નવા કપડાં પહેરાવી તેને જમાડવામાં આવી. ઘણા દિવસ પછી આ સ્ત્રીએ થાળી ભરેલું ભોજન જોયું હોય તેવું લાગી રહ્યું હતું. એક માણસ તરીકેની ફરજ પુરી કર્યા પછી તેને મેડિકલ ચેકઅપ માટે જુનાગઢ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.


 

 

 

 

 

તબીબોએ મેડિકલ તપાસમાં અભિપ્રાય આપ્યો કે મહિલાની ઉંમર 25થી 30 વર્ષની વચ્ચેની છે અને તેનો ગર્ભ સાડા સાત મહિનાનો છે. પોલીસ માટે ચિંતાનો વિષય એવો હતો કે આ પાગલ અવસ્થામાં રહેલી સ્ત્રી સાથે કોઈએ દુષ્કર્મ તો આચર્યું નહીં હોયને... જોકે સ્ત્રીની માનસીક સ્થિતિ પોલીસના પ્રશ્નોનો જવાબ આપી શકે તેમ ન્હોતી. બીજી સમસ્યા એવી હતી કે, પોલીસ મહિલા સાથે ગુજરાતી અને હિન્દીમાં પ્રશ્નોત્તરી કરી રહી હતી, પણ સ્ત્રી તે પૈકીની એક પણ ભાષા જાણતી ન્હોતી.

ડોક્ટરની સારવાર બાદ થોડી સ્વસ્થ થયેલી મહિલા બંગાળી ભાષા બોલે છે તેવો અંદાજ આવતા સોની બજારમાં કામ કરતાં બંગાળી કારીગરોને પોલીસની મદદ માટે બોલાવવામાં આવ્યા. બંગાળી કારીગરોએ પોલીસની સૂચના પ્રમાણે સ્ત્રી સાથે વાત કરી અને જાણકારી મળી કે મહિલાનું નામ સુલ્તાના બેગમ છે, તે પરણિત છે અને તેને બે દિકરાઓ પણ છે અને તે બંગાળના નોગાવ જિલ્લાની છે. આ માહિતીને આધારે માંગરોળ પોલીસે તુરંત બંગાળ પોલીસનો સંપર્ક કર્યો અને તેમને મળેલી સુલ્તાના બેગમ અંગેની જાણકારી આપી.

બંગાળ પોલીસે તેમને આપવામાં આવેલા સરનામે તપાસ કરતાં જાણકારી મળી કે સુલ્તાનાને બે દિકરા છે જે તેમના બંગાળના ઘરે જ છે. સુલ્તાનાના પતિના કારણે જ તે ત્રીજી વખત ગર્ભવતી થઈ હતી, પણ પતિને દારુ પીવાની ટેવ હોવાને કારણે તે મારઝૂડ કરતો હતો. જેથી કંટાળી સુલ્તાના ઘર છોડી વેરાવળ આવતી ટ્રેનમાં બેસી ગઈ હતી. જોકે ત્યાર પછી તેણે માનસીક સંતુલન ગુમાવતા તે માંગરોળના રસ્તે રઝળવા લાગી હતી, પરંતુ ડીવાયએસપી જુગલ પુરોહીતની ખાખી વર્દી પાછળ જીવતા માણસે સુલ્તાનાને મદદ કરી. સુલ્તાના હાલમાં જુનાગઢમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સુલ્તાનાનો પરિવાર તેને લેવા ગુજરાત આવે ત્યાં સુધી સાવરકુંડલામાં એક આશ્રમમાં રહેવાની વ્યવસ્થા પણ પોલીસે કરી છે.