એક તરફ કોરોનાની મહામારી અને બીજી તરફ રોજા ચાલી રહ્યા હોવાને કારણે ફળોના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતે દાતારી બતાવી પોતાના ખેતરમાં ઉગેલી નાળિયેરીના તમામ નાળિયેર જૂનાગઢ સિવિલના દર્દીઓ માટે મફતમાં આપી સેવા માનવતાની મોટી સેવા કરી છે. 

માળિયા હાટીના તાલુકાના લાડુડી ગામના 80 વર્ષિય ખેડૂત જેતાભાઇ રામદેભાઇ ગોરડને 30 વીઘાનું આંબાવાડિયું છે અને તેની ફરતે 300 નાળિયેરીની વૃક્ષ છે. જેમાં એક હજારથી વધુ નાળિયેરનો ફાલ આવે છે. આ વખતે કોરોનાની મહામારીના કારણે ઘણા લોકો તેમની વાડીએ નાળિયેર લેવા માટે આવતા હતા. આથી સેવાભાવી એવા જેતાભાઇ ગોરડને વિચાર આવ્યો કે જેમની પાસે રૂપિયા છે તેઓ તો કોઇપણ રીતે નાળિયેર ખરીદી શકે છે. પરંતુ ગરીબ દર્દીઓની શું હાલત થતી હશે? તેઓ કેવી રીતે આ મોંઘા નાળિયેર ખરીદી શકે? તેથી આ વખતો નાળિયેરનો ફાલ તેમણે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના દર્દીઓને મફત આપવાનો નિર્ણય કર્યો. 

જેતાભાઇએ નજીકના ગામથી ત્રણ મજૂરોને ત્રણ હજાર રૂપિયા મજૂરી ચુકવીને નાળિયેરી પરથી નાળિયેર ઉતરાવ્યા અને વાહનમાં સ્વખર્ચે જૂનાગઢ સિવિલમાં મોકલી આપ્યા. જ્યાં જૂનાગઢ સિવિલમાં મફત ટિફિન સેવા પૂરી પાડતા રાજેશભાઇ ચુડાસમાએ આ નાળિયેર દર્દીઓને વિતરીત કરવાની કામગીરી સંભાળી લીધી છે.